અમરેલીઃ જિલ્લામાં દીપડા સહિત વન્યપ્રાણીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લાં પાંચ દિવસમાં ત્રણ માસૂમ બાળકોનો માનવભક્ષી દીપડાએ અને સિંહણે શિકાર કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે 5 માસનો માસૂમ શિકાર કર્યો હતો, જ્યારે એજ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં દીપડાએ 3 વર્ષનો માસૂમનો જીન લીધો હતો. જ્યારે ગઈકાલે રાત્રે રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમરેલીના રાજુલા તાલુકાના કાતર ગામમાં રહેણાંક મકાનમાં રાતે વીજળી ન હોવાને કારણે ઘરમાં ઘૂસી દીપડો 2 વર્ષીય માનવ ગોપાલભાઈ પરમાર નામના બાળકનું ગળું પકડી બાવળની કાટમાં લઇ ગયો હતો. જોકે, પરિવાર જાગી જતાં હિંમત રાખી હાકલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી. જેને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. દીપડો ભાગી જતાં પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં મોડી રાત્રે બાળકની હાલત વધુ બગડતાં એબ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પૂર્વે જ બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બે વર્ષના બાળકના મોતને લઇને માલધારી પરિવાર અને કાતર ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની જાણ થતાં રાજુલા રેન્જના આર.એફ.ઓ. યોગરાજ સિંહ રાઠોડ, ફોરેસ્ટર અમરુભાઈ વાવડીયા સહિત કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ઘટનાની જાણ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ.જયન પટેલને થતા રાજુલા રેન્જને સૂચના આપી તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી દેવાઇ છે. જોકે, દીપડાના વધતા જતાં હુમલાને લઇ સ્થાનિકોમાં નારાજગી સાથે ભયનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લામાં માનવભક્ષી વન્યપ્રાણીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. અંતરિયાળ વિસ્તારોમાં મધરાત્રે વીજળી ન હોવાથી વન્યપ્રાણીઓ ગામડાઓમાં ઘૂસી રહ્યા છે. પાંચ દિવસ અગાઉ પણ આવી બે ઘટનાઓ સામે આવી હતી જિલ્લાના લીલિયા રેન્જમાં આવેલા ખારા ગુંદરણ સ્ટેટ હાઇવે નજીક એક પરિવાર ઝૂંપડું બનાવી રહેતો હતો અને વહેલી સવારે સિંહણ શિકારની શોધમાં આવી હતી. સૌથી પહેલાં સિંહણે એક બકરીનો શિકાર કર્યો હતો. બકરીએ બૂમો પાડતા આસપાસના લોકો જાગી જતાં સિંહણ બકરીનું મારણ છોડી થોડે દૂર 5 માસનો માસૂમ વિશાલ ભાવેશભાઈ પરમાર પરિવાર સાથે ઘોર નિદ્રામાં સૂતો હતો તેને ઉઠાવીને લઈ ગઈ હતી. જ્યારે કોઈ દ્વારા રાડારાડી ન થતા શિકાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનામાં વનવિભાગને કેટલાંક હાડપિંજર અને માત્ર અવશેષો મળ્યાં હતાં.
વનવિભાગને મળેલા અવશેષોને લીલિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. જયન પટેલ, લીલિયા આર.એફ.ઓ.સહિત વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સિંહણનું સ્ક્રીનિંગ કરી લોકેશન મેળવી પાંજરે પૂરવા માટે લીલિયા રેન્જને સૂચના અપાઇ હતી. લીલિયા રેન્જ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરી 4 જેટલાં ગામડામાં સ્ક્રીનિંગ શરૂ કર્યું હતુ. અલગ અલગ વિસ્તારમાં સિંહણને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવીને સિંહણને પાંજરે પુરી હતી.