
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રમતવીરોને પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્સ પોલીસી ઘડાશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો 1લી માર્ચથી પ્રારંભ થશે. આ બજેટ સત્રમાં મેડિકલ યુનિવર્સિટી બનાવવા સહિત અનેક વિધેયકોને ચર્ચા બાદ મંજુરી અપાશે. જેમાં રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે નવી સ્પોર્ટ્સ પોલિસી ઘડાશે. તો બીજી તરફ આ પોલિસી બનાવવા માટે રાજ્યના અલગ અલગ રમતવીરો પાસેથી ખાસ સૂચનો મંગાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા રમત-ગમત ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે અને દેશ-વિદેશમાં ગુજરાતનો રમતવીર મોખરાનું સ્થાન પામે તે હેતુથી તેમને પ્રોત્સાહિત કરવા માટે નવી સ્પોર્ટ્સ પોલિસીની જાહેરાત આગામી વિધાનસભા બજેટ સત્રમાં કરાશે. એટલું જ નહીં રાજ્યના રમતગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી એ આ માટેના સૂચનો મંગાવવા ખાસ પોર્ટલ તૈયાર કર્યું છે. નવી પોલીસીનો હેતુ એ છે કે, રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના રમતવીરોને તૈયાર કરાશે. રમતવીરોને પુરતું પર્ત્સાહન આપવા પર ખાસ ભાર મુકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પોલિસી બને તે પહેલાં રાજ્યમાં અલગ-અલગ રમતોના રમતવીરો પાસેથી પોલિસી અંતર્ગત સૂચનો મંગાવ્યા છે. જેમાં હર્ષ સંઘવી જાતે જ રમતવીરો પાસેથી મળેલા સૂચનોની નિષ્ણાતો સાથે સમીક્ષા કરશે અને તે મુજબ જ સ્પોર્ટ્સ પોલિસી બનાવવા ની દિશામાં હર્ષ સંઘવી હાલ પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ના રમતવીરો ને પ્રોત્સાહિત કરતી સ્પોર્ટ્સ પોલિસી આગામી બજેટ સત્ર દરમિયાન જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.