અમેરિકામાં ભારતીય સમુદાય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ: સન્ની રેડ્ડી મિશિગન રિપબ્લિકન પાર્ટીના સહ-અધ્યક્ષ તરીકે ચૂંટાયા
ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક અને સમુદાયના અગ્રણી નેતા સન્ની રેડ્ડીની મિશિગન રિપબ્લિકન પાર્ટીના સહ-અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. અમેરિકાની આકરી રાજકીય સ્પર્ધા વચ્ચે ભારતીય સમુદાય માટે આ એક મોટી અને નોંધનીય સફળતા છે. મિશિગન રિપબ્લિકન પાર્ટીના ચેરમેન જિમ રૂનેસ્ટેડે સહ-અધ્યક્ષની પસંદગી ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે સન્ની રેડ્ડીની જમીની સ્તરની ઊર્જા, ડોનર્સ સુધી પહોંચ અને વ્યક્તિગત ઈમાનદારીના દુર્લભ સંયોજન માટે તેમની પ્રશંસા કરી હતી.
રૂનેસ્ટેડે કહ્યું, “એક એવો વ્યક્તિ જે મહેનતુ હોય, અને સાચું કહું તો, હું સન્ની કરતાં વધુ મહેનતુ વ્યક્તિને જાણતો નથી. તેઓ મિશિગન રાજ્યના દરેક ભાગમાં ફર્યા છે અને મિશિગન રાજ્યના દરેક ભાગની કાળજી લે છે.” રૂનેસ્ટેડે વધુમાં જણાવ્યું હતું કે રેડ્ડીનો પ્રભાવ મિશિગનના ભારતીય અમેરિકન સમુદાયમાં ખૂબ જ ઊંડે સુધી ફેલાયેલો છે. તેમણે એક કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં કહ્યું, “મને વિશ્વાસ નહોતો થતો કે અમારા એક કાર્યક્રમમાં 600 લોકો, તેમના પરિવારો, સન્ની રેડ્ડીનો ફોટો લેવા આવ્યા હતા. તેઓ સમગ્ર ભારતીય સમુદાયમાં સૌથી મોટા સેલિબ્રિટી જેવા છે.”
રૂનેસ્ટેડે રેડ્ડીને અત્યાર સુધીના શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યા અને કહ્યું કે તેઓ સામાન્ય રીતે સન્ની વિશે સાંભળે છે કે તેઓ કોઈનું ધ્યાન દોર્યા વિના ચૂપચાપ સમુદાયની જરૂરિયાતોનો ખર્ચ ઉઠાવે છે. નોમિનેશન બંધ કરવાની અને સર્વસંમતિથી રેડ્ડીને મંજૂરી આપવાની દરખાસ્ત તાત્કાલિક સ્વીકારી લેવામાં આવી અને રૂમમાં હાજર લોકોએ એકસાથે ‘હા’માં જવાબ આપ્યો. જિમ રૂનેસ્ટેડે આ પરિણામને સર્વસંમતિનું ગણાવ્યું. સહ-અધ્યક્ષ તરીકેની જાહેરાત પછી મંચ પર આવતાં સન્ની રેડ્ડી ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે મિશિગનમાં ભારતીય અમેરિકનો માટે આ સિદ્ધિનો શું અર્થ છે.
સન્નીએ કહ્યું, “શું તમે વિશ્વાસ કરી શકો છો? હું મિશિગનમાં રિપબ્લિકન તરીકે કોઈપણ પદ માટે ચૂંટાનારો પ્રથમ વ્યક્તિ છું, એક ભારતીય અમેરિકન, પ્રથમ વ્યક્તિ!” તેમણે પાર્ટીના નેતાઓ સાથે દરરોજ સખત મહેનત કરવાનું વચન આપ્યું. રેડ્ડીએ કહ્યું, “આપણે મિશિગનના ઇતિહાસના સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી વર્ષોમાંના એકમાં જઈ રહ્યા છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાની તાકાત અને સુરક્ષા પાછી લાવવા માટે લડી રહ્યા છે, પરંતુ ડેમોક્રેટ્સ તેમને રોકવા માટે મક્કમ છે. મિશિગન RNC અને ડેમોક્રેટ્સ માટે નંબર વન ટાર્ગેટ છે.” મિશિગનમાં આગામી સમયમાં મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓ થવાની છે, જેમાં ગવર્નર, એટર્ની જનરલ, સેક્રેટરી ઑફ સ્ટેટ, યુએસ સેનેટ અને વિવિધ શિક્ષણ બોર્ડની બેઠકોનો સમાવેશ થાય છે.
રેડ્ડીએ જણાવ્યું, “સહ-અધ્યક્ષ તરીકે મારું કમિટમેન્ટ સરળ છે. હું આપણને જીતાડવામાં મદદ કરવા માટે ખૂબ મહેનત કરીશ. હું સંસાધનો એકઠા કરીશ, ઉમેદવારોને સમર્થન આપીશ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મિશિગન માટે એક મજબૂત રિપબ્લિકન ટીમ બનાવવામાં મદદ કરીશ.” તેમણે ભારપૂર્વક કહ્યું, “એકતા, અનુશાસન અને મક્કમ ઈરાદો 2026 માં પાર્ટીની જીતનો માર્ગ નક્કી કરશે.” મિશિગનમાં ઝડપથી વધતી ભારતીય અમેરિકન વસ્તી સૌથી વધુ રાજકીય રીતે સક્રિય સમુદાયોમાંની એક છે. રેડ્ડીએ માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ સમાજ સેવા દ્વારા પણ પોતાની ઓળખ બનાવી છે, જેમાં કોવિડ-19 રાહત, આપત્તિ રાહત અને સૌપ્રથમ મદદ કરનારાઓના પરિવારોની મદદ માટે લાખો ડોલર એકઠા કરવાનો સમાવેશ થાય છે.


