ચોટિલા નજીક ટેન્કરે પલટી ખાતાં હાઈવે પર કેમિકલ ઢોળાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટિલા નજીક જલારામ મંદિર પાસે કેમિકલ ભરેલું ટેન્કરે પલટી મારતા કેમિકલની રોડ પર રેલમછેલ જોવા મળી હતી. ટેન્કરના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રોડ પર ઢોળાયેલા કેમિકલ પર પાણીનો મારો ચલાવી સાફ કર્યો હતો.
આ બનાવની વિગતો એવી છે. કે, ચોટીલા હાઈવે પર જલારામ મંદિર નજીક અચાનક ટેન્કર પલટી મારી ગયું હતું. જેથી ટેન્કરમાં ભરેલું કેમિકલ ઢોળાતા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગાંધીધામ કંડલાથી કેમિકલ ભરી ટેન્કર ચોટીલા પહોંચતા યુપીના ડ્રાઇવર ગોલુ દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ થતા ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ટેન્કર પલટી મારતા કેમિકલ લીક થઈ ગયું હતું તે કેમિકલ રસ્તા પર ફેલાતા કેમિકલથી નુકસાન થાય તે પહેલા ચોટીલા મામલતદાર વી.એમ. પટેલ, પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા સંભાળી, મામલતદારના આદેશ મુજબ ફાયરની ટીમે રોડ પર પાણીનો મારો ચલાવી રોડ પરનું કેમિકલ દૂર કરાયું હતું.
આ અકસ્માતની ઘટનાના પગલે સાવચેતીના ભાગરૂપે ઈમરજન્સી ફાયર ફાઈટરની ટીમને સ્ટેન્ડબાય કરી હતી. જ્યારે રોડ ઉપર ટેન્કર પલ્ટી મારી હોવાથી હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ રોડ પર વધુ ટ્રાફિક ન સર્જાય તે માટે પોલીસ કામે લાગી હતી. બીજીબાજુ રોડ પર કેમિકલ ઢોળાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રોડ પર પણ પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો.