
ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ₹34,733 કરોડના રોકાણ થશે
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી એ જણાવ્યું છે કે, 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર 23 ડિસેમ્બર, 2023ના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો ઉદ્દેશ વિશ્વભરના પોલિસી મેકર્સ, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાતોને ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં મોટા પાયાના કેમિકલ અને પેટ્રોકેમિકલ એકમોની હાજરી, વ્યૂહાત્મક રીતે ફાયદાકારક સ્થાન તેમજ મજબૂત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સને કારણે ગુજરાતને ભારતના “પેટ્રો કેપિટલ” તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં, રાજ્ય કેમિકલ્સના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં લગભગ 35% યોગદાન આપે છે, જે ભારતમાં કેમિકલ્સના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય તરીકેની તેની સ્થિતિને મજબૂત બનાવે છે. આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું આયોજન ભરૂચ ખાતે થઈ રહયુ છે, જે ગુજરાતનું ઈન્ડસ્ટ્રીયલ હબ છે. તેની આસપાસ અંકલેશ્વર જીઆઈડીસી, ઝગડિયા જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી અને પાનોલી જીઆઈડીસી આવેલ છે.
વિશ્વ અને દેશની પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રી અંગે વાત કરતા તેમણે જણાવ્યુ કે, વિશ્વની કેમિકલ ઈન્ડસ્ટ્રીનું મુલ્ય લગભગ 5 ટ્રિલિયન ડોલર (5000 બિલીયન) છે. જેમાં આજે ભારતની કેમિકલ ઈન્ડસ્ટ્રીનું મુલ્ય 200 બિલીયન ડોલર છે, અને વર્ષ 2040 સુધીમાં તે લગભગ 1 ટ્રીલીયન ડોલર સુધી પહોચવાનો અંદાજ છે. ભારતમાં 80,000 પ્રકારના કેમિકલનું ઉત્પાદન થાય છે. કેમિકલ અને પેટ્રો કેમિકલ ક્ષેત્રે ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે અને એશિયામાં ચોથા ક્રમે અગ્રસર છે અને કેમિકલની નિકાસમાં અગીયારમાં સૌથી મોટા રાષ્ટ્ર તરીકે સ્થાન ધરાવે છે.
આ સેમિનારનો ઉદ્દેશ્ય પ્રતિષ્ઠિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. કેમિકલ્સ સેક્ટરમાં રોકાણ કરવા માટે સાત કંપનીઓ દ્વારા થનારા પ્રસ્તાવિત રોકાણોમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડનો સમાવેશ થાય છે, જે ₹5694 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, ત્યારબાદ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જે ₹5000 કરોડના રોકાણ કરવા માંગે છે. દીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ₹ 1956 કરોડનું રોકાણ કરવા માંગે છે, જ્યારે પેટ્રોનેટ LNG ₹ 21,358નું નોંધપાત્ર પ્રસ્તાવિત રોકાણ કરવા માંગે છે. વધુમાં, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ ₹300 કરોડ, બીઝાસન ₹250 કરોડ અને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ ₹175 કરોડના રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. આમ, રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ₹34,733 કરોડના રોકાણ થવા જઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત એ એક દ્વિવાર્ષિક ગ્લોબલ બિઝનેસ સમિટ છે, જે 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતમાં યોજાવાની છે. આ સમિટ રોકાણની તકોને એક્સપ્લોર કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભાગીદારી સ્થાપિત કરવા માટે બિઝનેસીસ અને સરકારો માટે પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ ઈવેન્ટ ગુજરાતની આર્થિક ક્ષમતા અને બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓને પ્રોત્સાહન આપવા માટેની રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.