જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બધા અકસ્માતો માનવ સર્જીત હોય એવું નથી ઘણીવાર કૂદરતી અકસ્માતો પણ સર્જાતા હોય છે. વિસાવદર હાઈવે પર એક પરિવાર લગ્નમાંથી પરત આવી રહ્યો હતો. ત્યારે ભારે પવનને કારણે એક તોતિંગ વૃક્ષ એકાએક કાર પર તૂટી પડ્યું હતું. તેથી કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણને ઈજાઓ થઈ હતી.
વિસાવદર નજીક કાર પર તોતિંગ વૃક્ષ પડ્યું હોવાનો બનાવ બન્યો હતો. કાર પર વૃક્ષ પડવાને લીધે આકોલવાડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. મોટી મોણપરી ગામે લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે કાર પર તોતિંગ વૃક્ષ પડ્યું હતું. જેના લીધે બે પુત્રી અને પિતાને ઇજા પહોંચતાં સારવાર માટે વિસાવદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃક્ષ પડતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના લીધે સ્થાનિકો લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પીપળાના વૃક્ષના મૂળિયા સુકાઈ જવાથી વૃક્ષ ધરાશાયી થયું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફુંકાય રહ્યો છે. કચ્છમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે બે વીજ ટાવર ધરાશાયી થયા હતા. અંજારના સતાપર પાસે 2 વીજ ટાવર ધરાશાયી થયાની ઘટના બની હતી. સતાપર પસવારીયા સીમાડામાં પાસે ભારે પવન ફૂંકાવાના કારણે 220 KV વિજલાઈનના ટાવર જમીનદોસ્ત થયા હતા. વીજટાવર ધરાશાયી થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ વંટાળને ફુંકાયો હતો.જેમાં ભાભરના ખારા ગામે વરસાદ અને વંટોળે તબાહી મચાવી હતી. અહીં ભારે પવનને લીધે મકાનોના છાપરાં ઉડ્યા હતા. છાપરાના પતરા ઉડીને દૂર પડતા નુકસાન પહોંચ્યું હતું. વંટોળને કારણે ભાભર વિસ્તારમાં પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું.,
કચ્છના મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની ભોગવ્યા બાદ હવે ઉનાળામાં પણ માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી મૂકી છે. માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થતાં જ માવઠાની પણ શરૂઆત થઈ હતી. જેથી ઉનાળા પાકને ઘણી નુકસાની પહોંચી હતી. માવઠાના પહેલા ચરણમાં ઘઉંને નુકસાન થાય બાદ હવે બીજો રાઉન્ડ શરૂ થતાં બાજરીના પાકને ભારે નુકસાની પહોંચી છે.