
સુરતમાં ભાજપ પ્રદેશની કારોબારીની બે દિવસીય બેઠક 7મી જુલાઈથી યોજાશે, ચૂંટણી સંદર્ભે ચર્ચા થશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં તૈયારીઓમાં ભાજપ સૌથી મોખરે છે. આ વખતે ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવો પડશે. એટલે કે, વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાશે. જો કે સત્તા વિરોધી મતોમાં વિભાજન થવાથી તેનો ભાજપને ફાયદો થશો એવું ભાજપના પ્રદેશ નેતાઓનું માનવું છે. ભાજપ દ્વારા ચૂંટણીને લઈને સતત ચિંતન કરવામાં આવી રહ્યું છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારી સંપન્ન થયા બાદ હવે આગામી તા.8 અને 9ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી સુરત ખાતે મળશે અને તે પુર્વે પક્ષની કોર કમીટીની બેઠક પણ મળશે જેમાં વિધાનસભા ચૂંટણીઓની ચર્ચા થશે. પ્રદેશ કારોબારીમાં કેન્દ્રીય સ્તરે પસાર કરાયેલા પ્રસ્તાવોનું સમર્થન કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેર એ ભાજપનો ગઢ ગણાય છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન છે. બીજીબાજુ આમ આદમી પાર્ટી પણ સુરતમાં જોર આપી રહી છે. મ્યુનિ.કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે છે. પાટિદાર મતો પણ વિભાજીત થયેલા છે. ત્યારે ભાજપ દ્વારા સુરતમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરીને તમામ બેઠકો જીતવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વિધાનસભા ચૂંટણીમાં સુરત અને શહેર અને જિલ્લાની બેઠકો ભાજપ માટે અત્યંત મહત્વની છે. 2017ની ચૂંટણીમાં અંતિમ ઘડીએ સુરતની 16 વિધાનસભા બેઠકો એ ભાજપને સરસાઈ અપાવી હતી અને સતા બચાવવામાં સફળતા મળી હતી. પાટીદાર સમાજની દ્રષ્ટીએ સુરતનું મહત્વ છે. તા.8 અને 9ની કારોબારીમાં રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ એક સેશન માટે હાજરી આપે તેવી શકયતા છે. ભાજપની આ કારોબારીમાં વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જે છેલ્લા આઠ માસમાં અનેક નિર્ણયો લેવાયા છે તેને અભિનંદન આપતો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે.