
વેરાવળઃ રાજ્યમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થશે. વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા લોક જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે વેરાવળ ચોપાટીથી શરૂ થઇને ટાવર ચોક ખાતે આવેલ આંબેડકર પાર્ક સુધી એક વોકેથોનનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતભરમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ મતદાન જાગૃતિ માટે અવનવા આયોજનો દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તા. 5 મેના રોજ સવારે 07:00 કલાકે વેરાવળ ચોપાટીથી શરૂ થઇને ટાવર ચોક ખાતે આવેલ આંબેડકર પાર્ક સુધી એક વોકેથોનનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
આ વોકેથોન અંગેના આયોજન અંગે વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં કલેક્ટર જાડેજાએ જણાવ્યું કે, જિલ્લામાં સમાજના તમામ વર્ગોને આવરી લેતી જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ, ન્યાયતંત્ર, ડોક્ટર્સ સહિતના લોકોને સામેલ કરી વ્યાપક જનજાગૃતિ લાવવામાં આવી છે. કલેક્ટરે વોકેથોનના આયોજન અંગે જણાવ્યું કે, આ વોકેથોનમાં જિલ્લાના અધિકારીઓ અવસર લોકશાહીનો લખેલ સફેદ ટી-શર્ટ પહેરીને સહભાગી થશે. આ સાથે મતદાન જાગૃતિ માટેની આ વોકેથોનમાં જિલ્લાના એનજીઓ, વેપારી એસોસિએશન, રેડક્રોસ સોસાયટી, બાર એસોસિએશન, જીમ સંચાલકો, રમત-ગમત સાથે સંકળાયેલા લોકો સહિત બહોળી સંખ્યામાં વેરાવળના નગરજનો જોડાવાના છે.
જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપિલ કરતા જણાવ્યું હતું કે, નગરજનો પણ સફેદ શર્ટ કે ટી શર્ટ પહેરીને મતદાર જાગૃતિના આ મહાયજ્ઞમાં જોડાય અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો સહયોગ આપે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણી, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા સહિત વિવિધ એસોસિએશન, એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.