
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણને લઈને રાજકિય માહોલ ગરમાયો છે. શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, અંતરિયાળ ઘણાબધા ગામોમાં પુરતા શાળાઓના ઓરડા નથી, વિદ્યાર્થીઓને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ઘણીબધી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી. પીવાના પાણીના પણ વ્યવસ્થા નથી. આવી સ્થિતિ હોવા છતાં શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ એવો બફોટ કર્યો હતો કે ગુજરાતમાં જેમને શિક્ષણ સારૂ લાગતું ન હોય તો જ્યાં સારૂ શિક્ષણ મળતું હોય તે રાજ્યો કે દેશમાં જઈ શકે છે. શિક્ષણ મંત્રીના આવા ઉચ્ચારણો સામે આમ આદમી પાર્ટીએ વિરોધ કરીને દિલ્હી જેવી મોડલ સ્કુલો હોવી જોઈએ તેવી માગ કરી હતી. ત્યારે દિલ્હીના આપના નેતા અને નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદિયા ગુજરાતની શાળાઓની હાલત નિહાળવા માટે સોમવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પુર્વે જ જે રીતે વાતાવરણ ગરમ થઈ ગયું છે અને ભાજપની સામે સ્પર્ધા કરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને તૈયાર થઈ ગયા છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરેલા વિધાનથી હવે ચૂંટણીનું ફોકસ રાજયમાં શૈક્ષણિક સંસ્થાઓની હાલત ખાસ કરીને સરકારી શાળાઓ અને કોલેજોની સ્થિતિ પર ‘આપ’ લઈ જાય તેવા સંકેત છે.
વાઘાણીએ જેમને ગુજરાતનું શિક્ષણ સારુ ન લાગતુ હોય તે રાજય બહાર જઈ શકે છે તેવું વિધાન કર્યુ તેને આમ આદમી પાર્ટીએ ચૂંટણી થીમ બનાવવાની કોશીશ કરી છે અને દિલ્હીનું શિક્ષણ મોડેલ ગુજરાતમાં રજુ કરીને રાજયમાં પોતાનો ચૂંટણી એજન્ડા નિશ્ચિત કરશે તેવા સંકેત છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી જેઓ શિક્ષણ વિભાગનો હવાલો પણ સંભાળે છે તેઓ સોમવારે અમદાવાદ આવી રહ્યા છે અને રાજયની કેટલીક સરકારી શાળાઓની મુલાકાત લેશે તેવું જાહેર કર્યુ છે અને તેમણે એવું પણ કહ્યું છે કે હું આશા રાખું છું કે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સતામાં છે તેને ચોકકસપણે શિક્ષણ માટે સારુ કર્યુ હશે અને હું તે જોવા જઈ રહ્યો છું અને જો તેઓની શિક્ષણમાં સારી કામગીરી નહી હોય તો પછી ગુજરાતની જનતાએ નકકી કરવાનું છે કે તેઓને અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડેલ જોઈએ છે કે કેમ અમોએ દિલ્હીમાં જે કામ કર્યુ છે તે ગુજરાતમાં રજુ કરશું. મનીષ સીસોદીયાએ આ જાહેરાત કરતા જ ગુજરાતનું પોલીસ તંત્ર અને શિક્ષણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને સીસોદીયાના પ્રવાસ પર નજર રાખે છે. જો કે આમ આદમી પાર્ટીએ સીસોદીયા કઈ શાળાની મુલાકાતે જશે તે જાહેર કર્યુ નથી પણ સોમવારે અમદાવાદમાં નવી ધમાલની શકયતા થઈ શકે છે. (file photo)