
અભિનેત્રી શબાના આઝમીનો આજે જન્મદિવસ,ફિલ્મ અંકુર થી બોલિવૂડમાં કર્યું ડેબ્યુ
- અભિનેત્રી શબાના આઝમીનો આજે જન્મદિવસ
- ફિલ્મ અંકુર થી બોલિવૂડમાં કર્યું ડેબ્યુ
- 5 વખત જીત્યા નેશનલ એવોર્ડ
મુંબઈ:બોલિવૂડની શ્રેષ્ઠ અને શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક શબાના આઝમી આજે પોતાનો 71 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ પણ મળી રહી છે. શબાના આઝમીએ 70, 80 અને 90 ના દાયકામાં બોલિવૂડ પર દબદબો જમાવ્યો હતો. તેણે ફિલ્મોમાં જોડાતા પહેલા સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ફિલ્મોની સાથે શબાનાએ અનિલ કપૂરના ટીવી ડિટેક્ટિવ શો ’24’ માં પણ કામ કર્યું છે. શબાનાની બીજી ઓળખ ગીતકાર જાવેદ અખ્તરની પત્ની તરીકે પણ છે.
શબાના આઝમીની પહેલી ફિલ્મ ‘અંકુર’ હતી. જે 1974 માં રિલીઝ થઈ હતી. શબાનાએ આ ફિલ્મમાં નોકરાણીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હિટ રહી હતી અને શબાનાને આ માટે ‘શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર’ આપવામાં આવ્યો હતો. જાવેદ અખ્તર અને શબાના આઝમીની જોડીની ગણતરી બોલિવૂડના ખાસ યુગલોમાં થાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે,લગ્ન પહેલા શબાનાનું નામ ફિલ્મ નિર્દેશક શેખર કપૂર સાથે પણ જોડાયેલું હતું.
શબાના આઝમીની સૌથી મોટી ઓળખ એ છે કે,તેણે 5 વખત નેશનલ એવોર્ડ જીત્યો છે. તેમણે 1983, 1984 અને 1985 માં સતત 3 વર્ષ નેશનલ એવોર્ડ જીત્યા છે. આવું કરનાર તે એકમાત્ર અભિનેત્રી છે.તે પ્રખ્યાત કવિ કૈફી આઝમીની પુત્રી છે. અભિનયથી લઈને સામાજિક કાર્યકર બનવા સુધી તે તેના પરિવાર અને ઉછેરને કારણે છે.શબાના આઝમીએ ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે. તે સિરિયલ ‘એક મા જો લાખો મેં બની અમ્મા માં જોવા મળી હતી અને તેના માટે તેની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી.
શબાના આઝમીને વર્ષ 2012 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ તરફથી આ સન્માન મળ્યા બાદ શબાનાએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘હમણાં જ ભારતના રાષ્ટ્રપતિના હાથથી પદ્મ ભૂષણ મળ્યું, ખૂબ જ સારું લાગ્યું’. હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે મારા માટે આ યાત્રા શક્ય બનાવી.