
અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની ગુજરાત સરકાર દ્વારા દિવાળી બાદ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબ લોકોને વિવિધ પ્રકારની ટુલકીલ્સ નિશુલ્ક રીતે આપવામાં આવે છે જેના દ્વારા તેઓ પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાનો નિર્ણય લીધા બાદ વહિવટી તંત્રના અધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
ગાંધીનગર સચિવાયલના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના મુખ્ય શહેરો અને જિલ્લા મથકોએ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને ગરીબ લાભાર્થીઓને સીધી સહાયની ચીજ વસ્તુઓ આપવામાં આવશે. રાજ્યમાં વર્ષ 2023-24ના ગરીબ કલ્યાણ મેળા યોજવા માટે સરકાર દ્વારા આયોજન કરાયું છે. વિકાસ કમિશનર દ્વારા વિવિધ વિભાગો, કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓને જાણ કરીને ગરીબ કલ્યાણ મેળાને લગતી કામગીરી કરવા જણાવાયું છે. જે વિભાગો વ્યક્તિલક્ષી લાભાર્થીને સહાય ચૂકવતા હોય તેમણે સહાયની ચૂકવણીની માહિતી વેબસાઇટ પર મુકવા માટે પણ જણાવ્યું છે. 27 ઓકટોબર સુધીમાં ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા વિકાસ કમિશનરની કચેરી દ્વારા જે સોફ્ટવેર તૈયાર કરાયું છે તેમાં ડેટા એન્ટ્રી કરી દેવા પણ તાકીદ કરાઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દરેક જિલ્લા અને તાલુકામાં ઝોનદીઠ લાભાર્થીઓ અને હાલ જે યોજના ચાલુ હોય તેની માહિતી આપીને મહાનગરપાલિકા અને જિલ્લાવાર ટીડીઓ, મામલતદાર સહિતના અધિકારી કક્ષાએ સંકલન કરવા માટે પણ સૂચના આપી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઝવેરી કમિશનની ભલામણ બાદ 30 ટકા ઓબીસી અનામત જાહેર કરવામાં આવી છે. તેના કારણે ગ્રામ પંચાયતથી લઇને મહાનગરપાલિકા સુધીની જે સંસ્થાઓમાં ચૂંટણી પેન્ડીંગ છે તેમાં દિવાળી પછી ચૂંટણી યોજાઇ શકે છે. તે સાથે આગામી વર્ષે લોકસભા ચૂંટણી પણ યોજાશે તેને ધ્યાનમાં રાખીને પણ ગરીબ કલ્યાણ મેળા શરૂ કરી દેવામાં આવશે. આ વખતે રાજ્યમાં બજેટ વહેલુ આવે તેવી શક્યતા છે તેના કારણે ચાલુ વર્ષના બજેટની ફાળવણી વહેલી તકે ખર્ચ કરવા માટે પણ તાકિદ કરાઇ છે. (file photo)