
રશિયા બાદ હવે અમેરિકાએ પણ ભારતને મોટી ઓફર કરી, રક્ષા ક્ષેત્રે સહયોહની તૈયારી દર્શાવી
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયન સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. જો કે, ભારતના રશિયા સાથે વર્ષો જૂના સારા સંબંધ છે. તેમજ યુક્રેન સાથે પણ ભારતના સંબંધ સારા હોવાથી ભારત બંને દેશને વાતચીતથી સમસ્યાનું નિકાલ કરવા અપીલ કરી રહ્યું છે. એટલું જ નહીં રશિયાનો વિરોધ કરવાનું પણ ભારત ટાળી રહ્યું છે. ભારત સાથેની મિત્રતામાં જ રશિયાએ ભારતની ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલ આપવાની ઓફર કરી છે. બીજી તરફ યુક્રેન-રશિયા યુદ્ધને લઈને ભારતના સ્ટેન્ડથી અનેક દેશો નારાજ છે. રશિયાને ભારત સમર્થન ના કરે અને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધારે ગાઢ બને તે માટે અમેરિકાએ પણ ભારતને એક મોટી ઓફર કરી છે. ભારતને રક્ષા ક્ષેત્ર સહયોગ કરવાની તૈયારી દર્શાવી છે.
રાજકીય વિશલેષકોના જણાવ્યા અનુસાર ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધ છે એટલું જ નહીં ભારતને આધુનિક હથિયાર પણ રશિયા જ પુરુ પાડે છે. અમેરિકા સહિત દુનિયાના મોટાભાગના દેશોને આની જાણકારી છે. રશિયા સાથેના સારા સંબંધોને કારણે જ યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીનો ભારત વિરોધ કરવાને બદલે શાંતિથી વાતચીતથી ઉકેલ લાવવા અપીલ કરી રહ્યું છે. દરમિયાન અમેરિકાએ રશિયાના હથિયારોની નિંદા કરતા જણાવ્યું હતું કે, ભારતને રક્ષા ક્ષેત્ર સહયોગ કરવા અમે ઉત્સુક છીએ, ભારતને એ વિચારવું જોઈએ કે, શું હથિયારો માટે રશિયા ઉપર નિર્ભર રહેવુ યોગ્ય છે કેમ કે રશિયાની લગભગ 60 ટકા જેટલી મિસાઈલ કામ કરવાની સ્થિતિમાં નથી. રશિયાના હથિયાર યુદ્ધના મેદાનમાં કેટલુ ખરાબ પ્રદર્શન કરે છે તે ભારતે જોવું જોઈએ.
અમેરિકાના વિદેશ સચિવ વિક્ટોરિયા નુલેન્ડએ જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃગંલા સાથે વાત કરી હતી. તેમજ અમેરિકાએ ભારતને રક્ષા આપૂર્તિ માટે રશિયા ઉપર નિર્ભરતા ખત્મ કરવા અને મદદ માટે તૈયારી અમે તૈયારી દર્શાવી છે. અમે ભારત તરફથી યુક્રેન માટે ઘણી ઉદારતાથી માનવીય સમર્થન જોયું છે.