
અમેરિકાઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસમાં દોષી જાહેર
નવી દિલ્હીઃ અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને દરેક 34 મામલામાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. આરોપ માટે દોષિત જાહેર કરવામાં આવેલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. બે દિવસના વિચાર-વિમર્શ બાદ 12 સભ્યોની બેંચ દ્વારા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે હવે 11 જુલાઈના રોજ સુનાવણી કરવામાં આવશે.
- હશ મની કેસ શું છે?
હશ મની (Hush money)એ એવી વ્યવસ્થા માટેનો શબ્દ છે, જેમાં એક વ્યક્તિ અથવા પક્ષ અન્ય વ્યક્તિ અથવા પક્ષ વિશેના કેટલાક ગેરકાયદેસર, શરમજનક વર્તન, ક્રિયા અથવા અન્ય હકીકતો વિશે મૌન રહેવાના બદલામાં આકર્ષક રકમ અથવા અન્ય પ્રલોભન આપે છે.
ડોનાલ્ડ ટ્રમ્પને ગુરુવારે ન્યુ યોર્કમાં જ્યુરી દ્વારા ખોટા બિઝનેસ રેકોર્ડના 34 ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જે 2016 ની ચૂંટણી પહેલાં એડલ્ટ ફિલ્મ સ્ટારને કરવામાં આવેલી “હશ મની” ચૂકવણીથી શરૂ થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લાગ્યો હતો કે તેમણે એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના તેમના જાતીય સંબંધને છુપાવવા અને મૌન રહેવા માટે રૂપિયા આપ્યા હતા અને ખોટા બિઝનેસ રેકોર્ડ બનાવ્યા હતા. આ તમામ 34 કેસોમાં ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પને ગુરૂવારે ‘પોર્ન સ્ટાર’ સ્ટોર્મી ડેનિયલ્સને ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને આ સાથે તેઓ ગંભીર ગુનામાં દોષિત ઠરનારા અમેરિકાના પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બન્યા હતા. યુએસ પ્રમુખ જો બિડેનની ચૂંટણી પ્રચાર ટીમે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી, જ્યારે ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય ખામીયુક્ત રાજકીય વ્યવસ્થાનું પરિણામ છે. ટ્રમ્પની સજાની તારીખ 11 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ચાર દિવસ પછી, મિલવૌકી, વિસ્કોન્સિનમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં, તેઓ 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર તરીકે ઔપચારિક રીતે નામાંકિત થવાના છે.
તેમની વિરુદ્ધ ચુકાદો જાહેર થતાં જ ટ્રમ્પે કહ્યું, “આ શરમજનક છે.” આ એક વિવાદાસ્પદ ન્યાયાધીશ દ્વારા ચલાવવામાં આવેલી ખામીયુક્ત, ભ્રષ્ટ ટ્રાયલ હતી.” તેમણે કહ્યું, ”લોકો 5 નવેમ્બરે વાસ્તવિક ચુકાદો આપશે. તેઓ જાણે છે કે અહીં શું થયું છે અને અહીં શું થયું છે તે બધા જાણે છે,” તેમણે કહ્યું, “હું નિર્દોષ છું. હું મારા દેશ માટે લડી રહ્યો છું. હું આપણા બંધારણ માટે લડી રહ્યો છું. “અત્યારે આપણા દેશભરમાં હેરાફેરી થઈ રહી છે.”