
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ દૂર થયા બાદ અન્ય રાજ્યના નાગરિકોએ સાત પ્લોટની કરી ખરીદી
- ઓગસ્ટ 2019માં આર્ટીકલ 370 દૂર કરાયો
- અન્ય રાજ્યના નાગરિકો પણ હવે ખરીદી શકે છે મિલકત
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકાર દ્વારા આર્ટીકલ 370 દૂર કર્યા બાદ અન્ય રાજ્યના લોકોએ સાત જેટલા પ્લાટ ખરીદ્યા છે, આ તમામ પ્લોટ જમ્મી ડિવીઝનમાં આવેલા છે. આમ કેન્દ્રીય રૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું.
સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું રાજ્ય બહારના કોઈ વ્યક્તિએ અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી છે અને જો ખરીદી છે તો તેની વિગતો શું છે. આ સવાલના જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જમ્મુ અને કાશ્મીરની બહારના વ્યક્તિઓ દ્વારા કુલ સાત પ્લોટ ખરીદવામાં આવ્યા છે. આ સાતેય પ્લોટ જમ્મુ ડિવિઝનમાં આવેલા છે.
કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી સંવિધાનના અનુચ્છેદ 370ની જોગવાઈને રદ કરી હતી. તેમજ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં જ્યારે કલમ 370 લાગુ હતી, ત્યારે અન્ય રાજ્યોના લોકો ત્યાં જમીન ખરીદી શકતા ન હતા. રાજ્યના લોકો જ ત્યાં જમીન અને સ્થાવર મિલકત ખરીદી શકતા હતા. જ્યારે કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી, ત્યારે આ કાયદાને રાજ્યના વિકાસમાં સૌથી મોટો અવરોધ ગણાવ્યો અને દાવો કર્યો કે કલમ 370 નાબૂદ થયા પછી, રાજ્ય બહારના લોકો પણ ત્યાં જમીન ખરીદી શકશે અને ત્યાં રોકાણ કરી શકશે.