
ભાવનગરઃ રાજ્યના એસ.ટી. બસસ્ટેન્ડોનું નવ નિર્માણ કરી એરપોર્ટ જેવા બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગરના સેન્ટ્રલ એસ.ટી. બસસ્ટેન્ડનું પણ થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયુ હતુ અને મુસાફરોને એરપોર્ટ જેવુ બસ સ્ટેન્ડ મળ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ભાવનગરનું નવ નિર્મિત એસટી બસ સ્ટેન્ડ પ્રવાસીઓને સુવિધાને બદલે દુવિધા ઊભી કરી છે. પ્રવાસીઓને એસ.ટી. સ્ટેન્ડ જેવી પ્રાથમિક સુવિધા મળતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરમાં અત્યાધૂનિક એસટી બસ સ્ટેશન બનાવ્યા બાદ પ્રવાસીઓ અનેક પ્રશ્નોનો સામનો રી રહ્યા છે. પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધા આપવામાં તંત્ર નિરસ હોવાની છાપ ઊભી થઈ છે. એસ.ટી. સ્ટેન્ડમાં નિયત સ્ટેન્ડ પર મુસાફરો લાઈનમાં ઊભા હોય છે ડ્રાઈવરો નિયત સ્ટેન્ડમાં બસ મુકવાને બદલે બસને આડી જ ઊભી રાખે છે પરિણામે મુસાફરોને સામાન લઈ બસમાં બેસવા દોડવુ પડે છે. દિવસે અને રાત્રે બન્ને સમયે આવી જ હાલત છે. આ ઉપરાંત કુતરાઓ એસ.ટી. સ્ટેન્ડમાં ઠેર ઠેર જોવા મળે છે. જોકે કુતરા કરડી જશે એ બીકે મુસાફરો સતત ફફડે છે. પ્રવાસીઓ માટે પીવાના પાણીનું જનરેટર બંધ છે અને નળમાં પાણી આવતું નથી. ભાવનગરમાં ઠંડી-ગરમી બન્ને ઋતુઓની મોસમ ચાલી રહી છે પણ એસ.ટી.ના પંખાઓ માટે એક જ ઋતુ છે. ‘આઉટ ઓફ ઓર્ડર’ પંખા બંધ હોવાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. વીઆઈપી વેઈટિંગ રૂમને પણ તાળાં લાગેલા છે. એસ.ટી.માં મહિલા, વિકલાંગ અને જનરલ શૌચાલય બંધ હાલતમાં છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યુ છે અને બીજી બાજુ જાહેર શૌચાલયોને ખંભાતી તાળા લગાવી દેવાયા છે. આ ઉપરાંત એસટી બસ સ્ટેશનમાં લેડીઝ રેસ્ટ, ચાઈલ્ડ કેર રૂમ નથી વિકલાંગો માટે બાથરૂમ સહિતની અલગ વ્યવસ્થા નથી. મોબાઈલ ચાર્જિંગની સુવિધા નથી.