1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મેટ્રોરેલ સેવાને એક વર્ષ પૂર્ણ, પ્રવાસીઓ વધતા દર 12 મીનિટે દોડાવાતી ટ્રેન
અમદાવાદમાં મેટ્રોરેલ સેવાને એક વર્ષ પૂર્ણ, પ્રવાસીઓ વધતા દર 12 મીનિટે દોડાવાતી ટ્રેન

અમદાવાદમાં મેટ્રોરેલ સેવાને એક વર્ષ પૂર્ણ, પ્રવાસીઓ વધતા દર 12 મીનિટે દોડાવાતી ટ્રેન

0
Social Share

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે વધતી જતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. 30 સપ્ટેમ્બર 2022 ના રોજ વડાપ્રધાનએ શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા હવે અમદાવાદની લાઈફ લાઈન બની ગઈ છે.

શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ ધરાવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ મેટ્રો રેલ સેવાઓથી શહેરી પરિવહન સુખાકારીને વધુ સુવિધાસભર અને સંગીન બનાવવા સમયાંતરે સમીક્ષા પણ કરતાં રહે છે. આ એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે. વહેલી સવારના પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરવામાં અવી છે. પ્રારંભે 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે. મેટ્રો સેવાઓનો સમય સવારે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે 6:20થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

અમદાવાદ મેટ્રો, અમદાવાદના નાગરિકો માટે વરદાન સાબિત થઇ છે. ટુ-વ્હીલર, રિક્ષા, કાર જેવા વાહનોના વપરાશકર્તાઓએ હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો છે. જો બેથી ત્રણ મુસાફરો વચ્ચે એક વાહનની ગણતરી કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન અમદાવાદના રોડ પર વાર્ષિક અંદાજે 70 લાખ જેટલા વાહનોની અવર-જવારમાં ઘટાડો થયો હોવાનું અનુમાન કરી શકાય. પરિણામે રસ્તા પરના ટ્રાફિકમાં રાહત મળી હતી અને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેટ્રો ટ્રેનમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી થલતેજ મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી માત્ર 39 મિનિટમાં થાય છે જ્યારે APMC થી મોટેરા સુધીની મુસાફરી માત્ર 32 મિનિટમાં થાય છે. જેના કારણે મેટ્રો, એક વિશ્વસનીય, સલામત અને આરામદાયક મુસાફરી માટેનું પરિવહન સાબિત થયું છે. ક્રિકેટ મેચ, તહેવારના દિવસો, ભારે વરસાદના દિવસોમાં વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા મેટ્રો ટ્રેનની સેવાઓ પુરી પાડવામાં આવે છે. મેટ્રો સ્ટેશનોને અમદાવાદની સ્થાનિક સંસ્કૃતિ, વિશેષતાઓ અને હેરિટેજ સ્મારકોની ઝાંખી દર્શાવતા આર્ટવર્કથી સુશોભિત કરવામાં આવ્યા છે.

આ એક વર્ષમાં ક્રિકેટ મેચ દરમિયાન ટ્રેન રેપિંગ, પ્રમોશનલ ઈવેન્ટ્સ, ફિલ્મ શૂટિંગ વગેરે જેવી અન્ય આવક ઉભી કરવાની પ્રવૃત્તિઓ પણ શરૂ કરાઇ છે, જેથી ટ્રેનના ભાડા સિવાય અન્ય આવક પણ થાય છે.

ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે, આવતા વર્ષે તેનો શુભારંભ કરવાનું આયોજન જીએમઆરસીએ કર્યું છે. મોટેરાથી ગાંધીનગરનો આ કોરિડોર અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ લીંક સાબિત થશે અને બંને શહેરોના મુસાફરોને ટ્રાફિકની ભીડમાંથી મોટી રાહત મળશે તથા બન્ને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. રાજ્ય સરકારે નાગરિકોને ફાસ્ટ મોબિલિટી સાથેની અદ્યતન પરિવહન સુવિધાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત કરેલી મેટ્રો મુસાફરોની પસંદગી અને પ્રાથમિકતા બની ગઈ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code