
અમદાવાદઃ કોર્પોરેશન ભિક્ષા નહીં શિક્ષા અભિયાન શરૂ કરશે
- ભિક્ષાવૃત્તિ કરનારા બાળકોને શિક્ષણ અપાશે
- બાળકોને ભણવા માટે નજીકની ખુલ્લી જગ્યાએ બસમાં લઈ જવાશે
- અભ્યાસ પૂર્ણ થયા બાદ બસમાં જ પરત પણ મુકવા જવાશે
અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર ભિક્ષાવૃતિ કરનારા બાળકોને શોધીને તેમને શિક્ષણ આપવામાં આવશે. આ અંગે મનપા દ્વારા ભિક્ષા નહી શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાએ આ વર્ષે બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ જોગવાઈ કરી છે. હવે મહાનગરપાલિકા ભિક્ષા નહીં શિક્ષા અભિયાન ટૂંક સમયમાં શરૂ કરશે. જે અંતર્ગત શહેરના વિવિધ માર્ગોના ચાર રસ્તા પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને શોધી તેમને શિક્ષણ અપાશે. આવા બાળકોને ક્લાસરૂમ જેવી બસમાં નજીકની ખુલ્લી જગ્યાએ લઈ જવાશે અને ત્યાં તેમને સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી ભણાવાશે. ભણતર પૂર્ણ થયા પછી તેમને તેમના સ્થળ પર પરત મુકવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત બાંધકામ સાઈટ પર રહેતા બાળકોને પણ શિક્ષિત કરવાનું આયોજન છે. આ અભિયાનમાં શિક્ષિત થયેલા બાળકોને મહાનગરપાલિકાની શાળામાં પ્રવેશ અપાશે. મહત્વનું છે કે, આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરાશે.