અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને બે વર્ષમાં સિક્યુરિટી પાછળ 127 કરોડનો ખર્ચ કર્યો, ભ્રષ્ટાચારનો આક્ષેપ
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષે-દહાડે પ્રોપર્ટી ટેક્સ સહિત વિવિધ વેરાઓની કરોડો રૂપિયાની આવક થાય છે. ત્યારે પ્રજાના ટેક્સના નાણાના ટ્રસ્ટી ગણાતા એએમસીના સત્તાધિશો ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નથી. મ્યુનિની સંપત્તીની રખેવાળી માટે સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એએમસી અને તેની સંલગ્ન વિવિધ સંસ્થાઓ જેવી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, સાબરમતી રિવરફ્રન્ટ, હોસ્પિટલ વગેરે જગ્યાએ સિક્યુરિટી અને બાઉન્સર મૂકવામાં આવ્યા છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં વિવિધ 8થી વધુ સિક્યુરિટી એજન્સીઓને રૂ. 127 કરોડ જેટલી માત્ર રકમ ચૂકવવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 380થી વધુ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે. છતાં પણ રિવરફ્રન્ટ પર ડ્રગ્સનું સેવન, લૂંટ ફાટ, મહિલાઓની છેડતી, ચોરી અને ગુનાખોરીનું પ્રમાણ ઘટવાની જગ્યાએ વધ્યું છે. સિક્યુરિટી પાછળ એએમસી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ તેમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.
એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્કૂલબોર્ડસ મ્યુનિ.ની હોસ્પિટલો, રિવરફ્રન્ટ તેમજ મ્યુનિ. કોર્પોરેશન ઓફિસ ખાતે સિક્યુરિટી માટે વિવિધ સિક્યુરિટી એજન્સીઓ અને બાઉન્સર એજન્સીઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મોટા ભાગની એજન્સીઓ સત્તાધારી પક્ષ સાથે સાઠગાંઠ ધરાવતી અને રાજકીય દબાણ દ્વારા ખાનગી માનીતી એજન્સીઓને કામ આપી એએમસીને આર્થિક નુકસાન થાય તેવી પેરવી કરવામાં આવે છે. દર વર્ષે સિક્યુરિટી એજન્સીઓને 64 કરોડથી પણ વધુ રકમ ચૂકવવામાં આવે છે. સિક્યુરિટી સંસ્થાના મળી કુલ 4268 જેટલા સિક્યુરિટી ગાર્ડ છે. તેમ છતાં ચોરી, ગુનાખોરી, અસભ્ય વર્તન થવા બાબતે મોટા પ્રમાણમાં ફરિયાદો ઉભી થવા પામે છે. ઘણી વાર ધર્ષણ થવાની ઘટના પણ બની છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ તમામ સિક્યુરિટી એજન્સીઓ સામે વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ટેન્ડરની શરત પ્રમાણે ડાયરેક્ટ સિક્યુરિટી ગાર્ડના ખાતામાં પગાર જમા થતો નથી, તેની જગ્યાએ જે તે સિક્યુરિટી એજન્સીઓના ખાતામાં જમા થાય છે. જેથી સિક્યુરિટી ગાર્ડને લઘુતમ વેતન ચુકવાતું નથી. જેથી લેબર એક્ટનો ભંગ થાય છે. સિક્યુરિટી ગાર્ડનું આર્થિક શોષણ થાય છે. પ્રોવિડન્ટ ફંડ. ઈ.એસ,આઇ. તથા સર્વિસ ટેક્સની પુરેપુરી રકમ જમા થતી નથી તેમજ તેનાં ચલણ પણ ભરેલા હોતા નથી, જે બારોબાર ચાઉં કરી દેવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 383 જેટલા સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં ડ્રગ્સનો ગેરકાયદેસર વ્યાપાર તથા સેવન થાય છે, મહિલાઓની છેડતી, ચોરી પણ થાય છે. તેમજ અધિકારીઓ દ્વારા જરૂરી નહી હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ પોતાની તહેનાતમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. મ્યુનિ હોસ્પિટલોમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીઓના સગાવહાલાં સાથે અયોગ્ય વર્તન થતાં દર્દીઓના સગાઓ સાથે ઘર્ષણ તથા મારામારી થવાના બનાવો પણ બન્યા છે. ગાર્ડની ઉચાઇ 5.5 ફુટ અને ઉંમર 18થી 45 વર્ષની હોવી જોઇએ તેમ છતાં મોટી ઉંમરના ગાર્ડ રાખવામાં આવે છે. ટેન્ડર શરત મુજબ લેબર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લીધેલા હોતું નથી. સ્મશાનગૃહ અને બગીચાઓ જેવી વિ. જગ્યાએ નાઇટ શિફટમાં ગાર્ડ નહી મુકીને તેના બીલો ચુકવાતા હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો હતો.