
અમદાવાદઃ ફાઈનલ મેચની ટિકીટનું બ્લેકમાં વેચાણ કરનાર સામે પોલીસની કાર્યવાહી, એકની ધરપકડ
- આરોપી પાસેથી છ જેટલી ટીકીટ મળી આવી
- શહેરના થલતેજ વિસ્તારમાંથી ઝડપી લેવાયો
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી છે. મેચને નીહાળવા માટે એક લાખથી વધારે દર્શકો આવે તેવી આશા છે. દરમિયાન ફાઈનલ મેચની ટિકીટનું વેચાણ થઈ ચુક્યું છે. બીજી તરફ ટીકીટનું બ્લેકમાં વેચાણ કરનારાઓ તત્વો સક્રિય બન્યાં છે. પોલીસે આવા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે. દરમિયાન પોલીસે એક શખ્સને શહેરના બોડકદેવ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. તેની પાસેથી ફાઈનલ મેચની છ જેટલી ટીકીટ મળી આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના થલતેજ વિસ્તારમાં મિલન મુલચંદાણી નામની વ્યક્તિ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચની ટીકીટનું બ્લેકમાં વેચાણ કરતો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે તપાસ આરંભીને ગણતરીના કલાકોમાં જ થલતેજ વિસ્તારમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસેથી મિલનને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી ફાઈનલની છ જેટલી મેચ મળી આવી હતી. આરોપી પૈસા કમાવી લેવા માટે ફાઈનલની ટીકીટોનું ઉંચી કિંમતમાં વેચાણ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી હતી. આ ઉપરાંત બ્લેકમાં ટિકીટનું વેચાણ કરનારા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં સતત મોનીટરિંગ કરવામાં આવશે.