
અમદાવાદ ખાતે સુભાષ બ્રિજ પાસે આવેલ RTO કચેરી રાજ્યની સૌથી મોટી અને આધુનિક કચેરી બનવા જઈ રહી છે. કેમ કે, છેલ્લા ઘણા વર્ષોથી RTOની જૂની કચેરી જર્જરિત હાલતમાં હતી જે કચેરીને તોડીને નવી કચેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ટેક્નોલોજી પર ધ્યાન આપીને કચેરી બનાવવામાં આવી રહી છે. આ નવી RTO કચેરી સ્ટેટ ઓફ ધ આર્ટ આધારિત બનાવવામાં આવી છે, જે ઓફિસ યુનિક હશે અને આ નવી ઓફિસમાં અરજદારો માટે તમામ સુવિધા ઉપલબ્ધ હશે. RTO શરૂ થતાની સાથે નવો આધુનિક AI બેઝડ ટેસ્ટ ટ્રેક પણ RTO અને લોકોને મળશે.
મળતી માહિતી મુજબ નવી RTO કચેરી 40 કરોડના ખર્ચે બનાવી છે. જે કચેરી ત્રણ માળની છે. જેમાં 2000થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. વિવિધ વિભાગને લગતા કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે. વિશાળ પાર્કિંગ સુવિધા પણ હશે. જે પાર્કિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 161 ટુ-વ્હીલર અને 52 ફોર વ્હીલર જ્યારે બેઝમેન્ટમાં 362 ટુ-વ્હીલર અને 130 ફોર વ્હિલર આવે તે પ્રકારનું પાર્કિંગ બનાવાયું છે. તેમજ RTO કચેરીમાં ટેસ્ટિંગમાં પડતી હાલાકી દૂર કરવા માટે ત્રણ નવા આધુનિક ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ ટ્રેક પણ બનાવાશે. જે ટેસ્ટિંગ ટ્રેક AI બેઝડ ટેક્નોલોજી યુક્ત હશે. જેનાથી હાલ જે ટ્રેક 8 કેમેરા અને સેન્સરથી કામ કરે છે ત્યાં 15 કેમેરા અને AI સિસ્ટમ હશે. જે ટેક્નોલોજીથી અરજદારોનો સમય બચશે અને પાસ અને ફેલના રેશિયોમાં ફરક પડશે. સાથે જ તેમાં થતી ગેરરીતિ અટકશે.
RTO કચેરીની નવી બિલ્ડિંગમાં એક વિશાળ કોન્ફરન્સ હોલ બનાવ્યો છે. RTO કચેરીમાં પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, શૌચાલય તથા વિવિધ કાઉન્ટરોની ઓફિસોની સેફ્ટીને લગતી સુવિધાઓ પણ રાખવામાં આવી છે. તેમજ RTOની અંદર પ્રવેશ લેતા ટોકન નંબર દેખાય તેમજ વેઇટિંગ કેટલું છે તે જાણી શકાય તે માટે LED સ્ક્રિન મુકાશે.