
ગાંધીનગર: રાજ્યના અનેક નાના શહેરો અને કેટલાક ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમા તમામ ડેમોમાં હાલ જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તે અનામત રાખીને માત્ર પીવાના પાણી માટે જ ઉપયોગ કરાશે. હવે પછી ખેડૂતોને સિંચાઈ માટે નું વધારાનું પાણી અપાશે નહીં. રાજ્યના ડેમોની અંદર અનામત રાખેલું પાણી માત્ર પીવા માટે ઉપયોગમાં લેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ પીવાના પાણી અને સિંચાઈના પાણીનો મુદ્દો ચર્ચાના એરણે રહ્યો હતો. દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના કેટલાક ધારાસભ્યો સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે તે સમય મર્યાદા વધારવા માટે રાજ્ય સરકારની રજૂઆત કરી હતી. જેના પગલે સરકારે આગામી 31 માર્ચ સુધી સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરી હતી . ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાની અનિશ્ચિતતા ઉપરાંત વરસાદ પણ અપૂરતા પ્રમાણમાં પડશે તેવી હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીના પગલે રાજ્ય સરકાર અત્યારથી જ સતર્ક બની ગઇ છે. હવે ડેમોમાંથી સિંચાઈનું પાણી આપવાનું પણ બંધ કરવામાં આવ્યું છે.એટલું જ નહીં ડેમોનું આનામત રાખેલું પાણી માત્ર પીવા માટે જ ઉપયોગમાં લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે કરેલા આ નિર્ણયથી હવે પછી રાજ્યના ડેમોમાં રહેલો પાણીના અનામત જથ્થાને સિંચાઈ માટે નહી આપવામાં આવશે નહીં.
રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જેમાં આવી રહેલી કાળઝાળ ગરમી અને ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ક્યાંય પણ પીવાના પાણીની સમસ્યા ઉભી થાય નહીં તે અંગે ડેમોની અંદર ઉપલબ્ધ પાણીના હયાત સ્ટોક અંગેની સમીક્ષા સાથે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીએ અધિકારીઓ સાથે ડેટા આધારે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.