
બાંગ્લાદેશની સ્થિતિને લઈને દિલ્હીમાં સર્વદળીય બેઠક
નવી દિલ્હીઃ બાંગ્લાદેશની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક સંસદ ભવન સંકુલમાં શરૂ થઈ ગઈ છે. આ સર્વપક્ષીય બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને જેપી નડ્ડા હાજર છે.
અન્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત લોકસભા અને રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોના ફ્લોર લીડર, ડીએમકેના ટીઆર બાલુ, સપાના રામ ગોપાલ યાદવ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, બીજેડી તરફથી સસ્મિત પાત્રા. બેઠકમાં હાજરી આપી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે આ બેઠકમાં સામેલ તમામ રાજકીય પક્ષોના નેતાઓને બાંગ્લાદેશની સ્થિતિ અને ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી હતી.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બાંગ્લાદેશની સ્થિતિને લઈને તેમના સત્તાવાર નિવાસસ્થાન પર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને બાંગ્લાદેશની સમગ્ર સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી હતી.
સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની તે ઉચ્ચ સ્તરીય મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વડાપ્રધાન મોદીને ભારત આવેલી શેખ હસીના સાથેની તેમની મુલાકાત, બાંગ્લાદેશની તાજેતરની રાજકીય સ્થિતિ અને ત્યાં સતત હિંસાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.