
વડોદરાઃ પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે વડોદરા એસટી ડિવિઝનને 101 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નવી 101 બસનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં નવી બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવીન 101 બસોમાં સ્લીપર કોચ, ગુર્જર નગરી અને સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ કરાયો છે.
ગુજરાતમાં એસ.ટી.નિગમ દ્વારા દૈનિક 8 હજારથી વધુ બસોનું 33 લાખ કિ.મીનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને સેવા પુરી પાડવામાં આવે છે. કિલોમીટર પુરા થયા હોય એવી ખખડપાંચમ બસો સેવામાંથી પરત ખેંચીને તેના સ્થાને નવી બસો સેવામાં મુકવામાં આવી રહી છે. ઉપરાંત પ્રવાસી ટ્રાફિકમાં પણ વધારો થતાં જરૂરિયાત મુજબ ડિવિઝનોને નવી બસોની ફાળવણી કરવામાં આવી રહી છે. આગામી 5 દિવસમાં વધુ 500 નવીન બસો સંચાલનમાં મૂકવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવેલું છે. વડોદરા એસટી ડિવિઝનને 101 નવી બસો ફાળવવામાં આવી છે. જેના લોકાર્પણ સમારોહમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપીને એસટી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર- જિલ્લા અને મધ્ય ગુજરાત માટે અત્યાધુનિક 101 બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 13 મહિનામાં 1720 જેટલી નવી બસો મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ઉમેરો કરવામાં આવ્યો છે. સાથે 1720 બસો થકી કનેક્શનો વધારવામાં આવ્યા છે. જે પહેલા રોજિંદા 25 લાખ લોકો ઉપયોગ કરતા હતા તે આંકડો હવે 27 લાખ પ્રવાસીઓ સુધી પહોંચ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, બસો તો વધારવામાં આવે છે, સાથે સુવિધાઓ અને સફાઇને લઈને યોગ્ય વધારો થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં સુરત ખાતેથી 101 બસોની ફાળવણી કરવામાં આવી હતી. ગુરૂવારે વડોદરા ડિવિઝનને 101 બસોની ફાળવણી કરી છે. શુક્રવારે અમદાવાદને 101 બસો ફાળવાશે, એમ 5 દિવસમાં વધુ 500 જેટલી બસોના ઉમેરા થકી નાગરિકોને ખુબ સારી સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે નવા કનેક્શનોની માંગણી કરવામાં આવી છે તે પ્રમાણે આપવામાં આવી છે. ગુજરાતના એસટી વિભાગ ખુબ સારી કામગીરી કરે છે. સાથે એસટીમાં કંડક્ટર અને ડ્રાઈવર રાત દિવસ પોતાના પરિવારનો વિચાર કર્યા વગર કામગીરી કરે છે તેઓને હું અભિનંદન આપું છું.