1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિયાળાની ગુલાબી ઠંડી સાથે જ પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન
શિયાળાની ગુલાબી ઠંડી સાથે જ પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન

શિયાળાની ગુલાબી ઠંડી સાથે જ પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન

0
Social Share

પોરબંદરઃ શિયાળાની ગુલાબી ઠંડીના આગમન સાથે જ જિલ્લાના પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. અને અભ્યારણ્ય પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠ્યુ છે. અહી 150 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. પોરબંદરના હૃદયસમા વિસ્તારમાં આવેલું પક્ષી અભ્યારણ્ય પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર  બન્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય 9.33 હેક્ટરમાં ફેલાયેલું છે. અહી 150થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. આંતરરાષ્ટ્રીય પક્ષીપ્રેમી  પીટર જેકશન 1981 ની સાલમાં પોરબંદરની મુલાકાતે આવ્યા ત્યારે આ સુંદર સ્થળે આવીને રોમાંચિત બની ઉઠયા હતા અને તેના વિશે પ્રોજેકટ તૈયાર કરીને તાત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને સુપ્રત કર્યો હતો અને ત્યારબાદ આ જગ્યાએ 1988ની સાલમાં ગુજરાત વનવિભાગે નોટિફીકેશન બહાર પાડી પક્ષી અભ્યારણ્ય તરીકે જાહેર કર્યું હતું અને 1990ની સાલમાં પાલિકા પાસેથી જગ્યા હસ્તગત કરીને તેનો વિકાસ કરાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દેશમાં એકમાત્ર પોરબંદરમાં શહેર મધ્યે પક્ષી અભ્યારણ્ય આવેલું છે. અહી ફલેમીંગો પક્ષીઓને અનુકુળ બે ફૂટ જેટલું જ પાણી બચતાં અસંખ્ય ફલેમીંગો  જોવા મળી રહ્યા છે. પક્ષી અભ્યારણ્યમાં વિન્ટર વિઝીટર પક્ષીઓ શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તેમાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓ અને માઈગ્રેટર પક્ષીઓનો સમાવેશ થાય છે. આ વિવિધ પ્રકારના પક્ષીઓને અહીંયા પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે તેમજ વાતાવરણ પણ યોગ્ય હોવાથી કેટલાક પક્ષીઓ અહીંયા જ કાયમી ધોરણે વસી જાય છે. કેટલાક પક્ષીઓ ઋતુ પ્રમાણે અહીંની મુલાકાત લે છે. શિયાળા દરમિયાન  વિદેશી પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠે છે.

વન વિભાગના જણાવ્યા મુજબ પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં વિવિધ 150 જાતિના પક્ષીઓ જોવા મળે છે. જેમાં મોટી ચોટલી ડુબકી, નાની ડૂબકી, ચોટીલી પેણ, ગુલાબી પેણ, મોટો કાજીયો, વચ્ચેટ કાજીયો, નાનો કાજીયો, સર્પ ગ્રીવ, બગલો, બગલી, પીળી ચાંચ ઢાંક, કાંકણસાર, નાનો હંજ, મોટો હંજ, બતક, રાખોડી કારચીયા, નીલ શિર, ગયણો, સિગપર, સંતાકુકડી, જલમુરઘો. ટીટોડી, ગડેરો, તુંતવારી, ગજપાંઉ, કાળી પીઠ ધોમડો, કલકલીયો, દૂધરાજ, સ્વેતનૈયણ, કરકરો, કુંજ, વૈયા, સક્કરખોરો, સુઘરી, દેવચકલી, દૈયડ, દરજીડો, માખીમાર જેવા વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code