
અમદાવાદઃ શહેરજનોનું 2020-21નું વર્ષ એકંદરે નબળુ રહ્યુ, મોટાભાગનો સમય કોરોના કાળ વચ્ચે વિતાવવો પડ્યો હતો. કોરોનાને કારણે લોક ડાઉન અને ત્યારબાદ તબક્કાવાર અનલોક જાહેર કરાતા ઉદ્યોગ-ધંધાને સારૂએવું નુકશાન વેઠવુ પડ્યુ હતું. ઘણા લોકોએ રોજગાર-નોકરીઓ ગમાવવી પડી હતી. આમ છતાં મોટાભાગના શહેરીજનો પ્રોપર્ટી ટેક્સ ચુકવવામાં મોખરે રહ્યા હતા. શહેરની મ્યુનિ. કોર્પોરેશનને જાણે કોરોના વર્ષ ફળ્યું હોય તેમ પુરા થતાં 2020-21ના નાણાકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્ષની 4.54 ટકાના વધારા સાથે 1122 કરોડની આવક થઈ હતી. અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રોપર્ટીની આટલી આવક ક્યારેય થઈ નથી. આ આવક ગત વર્ષ કરતાં 48.66 કરોડ વધુ હતી. મ્યુનિ.એ આ વર્ષમાં પ્રોપર્ટી ટેક્ષ બાકી હોય તેવી 13 હજાર જેટલી મિલકતો સીલ કરી હતી.
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્ષની કુલ 1122 કરોડની બમ્પર આવક થઈ હતી. લોકોની આવક અને રોજગારીમાં મસમોટા ગાબડાં પડ્યાં હતાં. આમ છતાં પ્રોપર્ટી ટેક્ષની આવકે મ્યુનિ.ના ઈતિહાસના પ્રોપર્ટી ટેક્ષની આવકના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગત નાણાકીય વર્ષ 2019-20માં પ્રોપર્ટી ટેક્ષની આવક 1072.57 કરોડ થઈ હતી. જે ચાલું નાણાકીય વર્ષમાં 1122 કરોડ એટલે કે 4.54 ટકાના વધારા સાથે 48.66 કરોડ વધુ આવક થઈ હતી.
મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોપર્ટી ટેક્ષ તથા વ્હીકલ ટેક્ષ મળીને કુલ 1,382 કરોડ જેટલી વસુલાત થવાની શક્યતા છે. જે ગત વર્ષની કુલ આવક 1,339.65 કરોડ હતી. આમ ગત વર્ષ કરતાં કુલ 42 કરોડ જેટલી વધુ આવક થઈ છે. જે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના રેવન્યુ વિભાગની ઐતિહાસિક આવક માનવામાં આવે છે.