વોશિંગ્ટન, 29 ડિસેમ્બર 2025 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવતું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે હવે અમેરિકા જ ‘અસલી સંયુક્ત રાષ્ટ્ર’ બની ગયું છે, કારણ કે વિશ્વના અનેક યુદ્ધો અને સંઘર્ષો રોકવામાં યુએન નિષ્ફળ રહ્યું છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યા બાદ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ભારત-પાકિસ્તાન સહિત વિશ્વના 8 મોટા વિવાદોમાં શાંતિ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રમ્પે લખ્યું કે, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલી લડાઈ હવે તરત જ અટકી જશે. બંને દેશો વચ્ચે અગાઉ થયેલી સંધિ મુજબ આ ઉકેલ લાવવામાં આવ્યો છે. ટ્રમ્પે બંને દેશોના નેતાઓની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓએ નિષ્પક્ષ અને ઝડપી રીતે ઉકેલ લાવવાની ઈચ્છાશક્તિ બતાવી છે.
ટ્રમ્પે યુએનની ટીકા કરતા કહ્યું કે, વિશ્વના સંઘર્ષો ઉકેલવામાં આ સંસ્થાએ ખૂબ ઓછી મદદ કરી છે. તેમણે દાવો કર્યો કે તેમના બીજા કાર્યકાળના પ્રથમ 11 મહિનામાં જ તેમણે 8 મોટા યુદ્ધો કે સંઘર્ષો અટકાવવામાં સફળતા મેળવી છે. જેમાં ભારત-પાકિસ્તાન, થાઈલેન્ડ-કંબોડિયા, ઈઝરાયેલ-ઈરાન, કોસોવો-સર્બિયા, કોંગો-રવાન્ડા, ઇજિપ્ત-ઇથોપિયા અને આર્મેનિયા-અઝરબૈજાન સંઘર્ષનો સમાવેશ થાય છે.
- ઝેલેન્સ્કી સાથે મુલાકાત: રશિયા-યુક્રેન યુદ્ધ પર નજર
રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે ત્યાંની સ્થિતિ ગંભીર છે અને યુએન ત્યાં કોઈ પ્રભાવી ભૂમિકા ભજવી શક્યું નથી. આ સંદર્ભમાં ટ્રમ્પ રવિવારે ફ્લોરિડાના પામ બીચ સ્થિત તેમના નિવાસસ્થાને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરવાના છે. આ બેઠકમાં યુદ્ધના અંત માટેની સંભવિત ‘પીસ પ્લાન’ પર ચર્ચા કરવામાં આવશે.
ટ્રમ્પે અગાઉ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ કહ્યું હતું કે ઘણી બાબતોમાં તેમણે પોતે જ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો, જ્યારે UN એ મદદ કરવાની કોશિશ પણ કરી નહોતી. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે 7 ડિસેમ્બરથી લડાઈ ફરી શરૂ થઈ હતી, જેમાં અમેરિકાએ કુઆલાલંપુર શાંતિ સમજૂતીની શરતો લાગુ કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ દિલ્હી-NCR: પ્રદૂષણ-ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે વ્યવહાર ખોરવાયો


