1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાનું ઈરાનમાં ઘૂસીને સાહસિક રેસ્ક્યુ ઓપરેશન: લડાયક વિમાનના પાયલોટને બચાવ્યો
અમેરિકાનું ઈરાનમાં ઘૂસીને સાહસિક રેસ્ક્યુ ઓપરેશન: લડાયક વિમાનના પાયલોટને બચાવ્યો

અમેરિકાનું ઈરાનમાં ઘૂસીને સાહસિક રેસ્ક્યુ ઓપરેશન: લડાયક વિમાનના પાયલોટને બચાવ્યો

0
Social Share

તેહરાન, 5 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. ઈરાનમાં તોતિંગ ગોળીબાર અને દુશ્મન દળોની ઘેરાબંધી વચ્ચે અમેરિકી સેનાએ પોતાના લાપતા થયેલા એફ-15 લડાયક વિમાનના પાયલોટ (ક્રૂ મેમ્બર) ને સુરક્ષિત રીતે બચાવી લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓપરેશનને ‘અમેરિકી ઈતિહાસનું સૌથી સાહસિક સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન’ ગણાવ્યું છે. આ સફળતા બાદ ટ્રમ્પે ઈરાન પ્રત્યે આક્રમક વલણ અપનાવતા આગામી 48 કલાકમાં હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અથવા ગંભીર પરિણામો ભોગવવા અંતિમ ચેતવણી આપી છે.

રેસ્ક્યુ ઓપરેશનની વિગતો આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમેરિકી સેનાએ પોતાના એક અસાધારણ અધિકારી અને સન્માનિત કર્નલને પાછા લાવવા માટે વિશ્વના સૌથી ઘાતક હથિયારોથી સજ્જ ડઝનબંધ વિમાનો મોકલ્યા હતા. આ બહાદુર યોદ્ધા ઈરાનના દુર્ગમ પહાડોમાં ફસાયેલા હતા અને દુશ્મનો તેમની અત્યંત નજીક પહોંચી રહ્યા હતા, પરંતુ કમાન્ડર-ઈન-ચીફથી લઈને સાથી સૈનિકો સુધી તમામ લોકો ચોવીસે કલાક તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.”

સુત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે (3 એપ્રિલ) કુવૈત ઉપર ઉડી રહેલા અમેરિકી એરક્રાફ્ટને ઈરાને નિશાન બનાવ્યું હતું, જેના કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એક પાયલોટ સુરક્ષિત બહાર નીકળ્યો હતો, પરંતુ બીજો પાયલોટ ઈરાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લાપતા થયો હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી પાયલોટને જીવતો પકડવા માટે સ્થાનિક લોકોને અપીલ કરી હતી અને તેના પર 60,000 ડોલરથી વધુનું ઈનામ પણ જાહેર કર્યું હતું. જોકે, ઈરાન તેને પકડે તે પહેલા અમેરિકી દળોએ તેને શોધી કાઢી રેસ્ક્યુ કર્યો હતો.

પાયલોટને બચાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન પાસે સમજૂતી કરવા અથવા હોર્મુઝને ફરીથી ખોલવા માટે હવે માત્ર 48 કલાકનો સમય બચ્યો છે. જો આ સમયગાળામાં ઉકેલ નહીં આવે, તો ઈરાન પર અમેરિકી સેનાનો કહેર તૂટી પડશે. અમેરિકાના આ સીધા સૈન્ય હસ્તક્ષેપ અને ઈરાની ધરતી પરથી પાયલોટને છોડાવવાની ઘટનાએ મધ્યપૂર્વમાં સંપૂર્ણ યુદ્ધની શક્યતાઓ વધારી દીધી છે. હોર્મુઝ સામુદ્રધુની વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વની છે, અને ટ્રમ્પની ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો: પ્રધાનમંત્રીએ ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code