અમિત શાહનું નવું મિશન, 2029 સુધીમાં ડ્રગ કાર્ટેલને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ
નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: ViksitBharat કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશની સુરક્ષા અને યુવાધનને બચાવવા માટે વધુ એક મોટા અભિયાનની જાહેરાત કરી છે. નક્સલવાદ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડ્યા બાદ, હવે તેમનો આગામી ટાર્ગેટ ભારતને ‘ડ્રગ્સ ફ્રી’ બનાવવાનો છે. હરિયાણાના પંચકુલામાં આયોજિત એક કાર્યક્રમમાં શાહે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2029 સુધીમાં દેશમાંથી ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે.
ગૃહ મંત્રીએ નક્સલવાદને ખતમ કરવા માટે 31 માર્ચ, 2026ની ડેડલાઈન નક્કી કરી હતી, જેમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી રહી છે. આ મોટી સમસ્યાના ઉકેલ બાદ હવે શાહનું મિશન ‘નશા મુક્ત ભારત’ છે. તેમણે કહ્યું કે, “મોદી સરકાર ડ્રગ્સ સામેની લડાઈમાં રાજ્યો સાથે ખડકની જેમ ઉભી છે. જો આવનારી પેઢી નશાને કારણે ખોખલી થઈ જશે, તો વિકસિત ભારતનું સપનું પૂરું નહીં થઈ શકે.”
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ને કડક સૂચનાઓ આપી છે કે, દેશમાં કાર્યરત સિન્થેટિક ડ્રગ લેબને ઓળખીને તેનો નાશ કરવો. જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોના નિકાલ માટે દર ત્રણ મહિને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી. તેમજ ડ્રગ સપ્લાય ચેઈન તોડવા માટે જિલ્લા સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી રોડમેપ તૈયાર કરવો.
યુપીએ સરકાર અને મોદી સરકારના કાર્યકાળની તુલના કરતા અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં નશા વિરુદ્ધની લડાઈ તેજ બની છે. 2004-2013માં માત્ર 1.52 લાખ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું હતું. જ્યારે 2014-2024માં 5.43 લાખ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત અંદાજે 22,000 કરોડ રૂપિયા થાય છે.
નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (NCORD) ની બેઠકમાં શાહે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે ભારતની સરહદની અંદર એક ગ્રામ ડ્રગ્સ પણ પ્રવેશવા દેવામાં આવશે નહીં. સરકાર માત્ર નાના પેડલર્સ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ અને મોટા માથાઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરી રહી છે. માંગ ઘટાડવા માટે વ્યૂહાત્મક અને નુકસાન ઘટાડવા માટે માનવીય અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત


