
રાજ્યમાં એક માત્ર મહેસાણામાં ગુજરાતીમાં ઈજનેરી કોર્ષ શરૂ કરાયો પણ માત્ર બે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પ્રથમવાર ઈજનેરીનો અભ્યાસક્રમ ગુજરાતીમાં ભણાવવાનો નિર્ણય લીધા બાદ પ્રાયોગિક ધોરણે રાજ્યમાં એક માત્ર મહેસાણાની કોલેજમાં ગુજરાતીમાં ઈજનેરી કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતી ભાષામાં ઈજનેરી કોર્ષ ભણવામાં વિદ્યાર્થીઓએ કોઈ રસ દાખવ્યો નથી. અને માત્ર બે વિદ્યાર્થીઓએ જ ગુજરાતી ભાષામાં ઈજનેરીનો કોર્ષ ભણવા માટે પ્રવેશ મેળવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિધાર્થીઓને ગુજરાતીમાં પણ અભ્યાસ કરાવવાનો GTUનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. જોકે તેમ છતાં GTU આ પ્રયોગ ચાલુ રાખશે. માત્ર 2 એડમિશન છતાં GTU વિધાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખશે. એટલું જ નહીં ગુજરાતીમાં એન્જીનીયરીંગ કરનારા વિધાર્થીઓના જોબ પ્લેસમેન્ટ માટેની પણ GTU ની તૈયારી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને માતૃભાષામાં એન્જીનીયરીંગ કરવા માંગતા વિધાર્થીઓ માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કોલેજ તો શરૂ કરી. પરંતુ વિધાર્થીઓ રિજનલ ભાષામાં એન્જીનીયરીંગ કરી શકે તેવા GTU ના પ્રયાસો નિષ્ફળ ગયા છે. કારણ કે ગુજરાતમાં પ્રથમવાર જીટીયુની મહેસાણા સ્થિત ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજમાં ચાર બ્રાંચનો કોર્સ ગુજરાતીમાં શરૂ કરાયો છે પરંતુ ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયાના બે માટે રાઉન્ડ બાદ પણ 136 માંથી 134 બેઠકો ખાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ( એઆઈસીટીઈ ) દ્વારા ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં ગુજરાતીમાં કોર્ષ શરૂ કરવા માટે બે વર્ષ પહેલા સૂચના અપાયા બાદ જીટીયુ દ્વારા પ્રથમવાર મહેસાણાની ઈજનેરી કોલેજમાં ચાર બ્રાંચમાં ગુજરાતી કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.
જીટીયુ અને એઆઈસીટીઈએ સાથે મળીને ચાર બ્રાંચના કોર્સનું ગુજરાતીમાં અનુવાદ કરાયો હતો. અને આ વર્ષે ગુજરાતીમાં પુસ્તકો પણ તૈયાર કરી દેવાયા છે. અને આ વર્ષે એસીપીસી દ્વારા આ ચારેય બ્રાંચની બેઠકોને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પણ સમાવાઈ હતી. પરંતુ ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયાના બે માટે રાઉન્ડ બાદ પણ 136 માંથી 134 બેઠકો ખાલી રહી છે. જે અંગે GTUના કુલપતિ પ્રો. નવીન શેઠએ જણાવ્યું કે આ વખતે બે જ એડમિશન થયા છે છતાં અમે અમારા પ્રયાસો ચાલુ રાખીશું. અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં આ એડમિશન વધશે. ગુજરાતીમાં એન્જીનયરિંગ કરનારા વિધાર્થીઓને કંપનીઓમાં જોબ પ્લેસમેન્ટ મળે તેનું પણ GTU દ્વારા ધ્યાન રાખવામાં આવશે.