
ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, IT, ફુડપ્રોસેસિંગ, સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટે MOU કરાશે
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઉઝબેકિસ્તાન રાષ્ટ્રનાં ભારત ખાતેના રાજદૂત શ્રીયુત દિલશોદ અખાતોએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોનો સેતુ વધુ સુદૃઢ કરવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. ખાસ કરીને ગુજરાત અને ઉઝબેકિસ્તાનના અંદિજાન પ્રદેશ વચ્ચે કો.ઓપરેશનના જે કરાર 2018માં થયેલા છે તેને બહુવિધ ક્ષેત્રે આપસી સહયોગથી આગળ ધપાવવા તેમણે વાતચીત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે પ્રદેશો ગુજરાત તથા ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, આઈ.ટી, ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી સહિતના સેક્ટર્સમાં રોકાણો અને વ્યાપાર ઉદ્યોગ સહયોગ માટે વિચાર-વિમર્શ કર્યા હતો.આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાનને સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલા નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતાં ઉઝબેકિસ્તાનનાં રાજદૂતે ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે જોડાવાની તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રીને પણ ગુજરાત ડેલિગેશન સાથે ઉઝબેકિસ્તાનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
ઉઝબેકિસ્તાનના રાજદૂત શ્રીયુત દિલશોદ અખાતોવે તેમના રાષ્ટ્રના અંદિજાન પ્રદેશના ફાર્માસ્યુટિકલ ઝોનમાં ગુજરાતની પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓના મોટા એકમો કાર્યરત છે તેની પણ વિગતો આ બેઠક દરમિયાન આપી હતી. તેમણે આ ફાર્મા ઝોનમાં ફાર્માસ્યુટીકલ ઉદ્યોગોને અપાતા ઈન્સેન્ટિવ્ઝ અને ઉદાર સહાયની જાણકારી પણ આપી હતી.
ઉઝબેકિસ્તાનન રાજદૂતે તેમના રાષ્ટ્રના જુદા-જુદા પ્રોવિન્સમાં ભારતીય-ગુજરાતી સમુદાયના લોકો ફાર્માસ્યુટીકલ, હોસ્પિટાલીટી, મેડીકલ સેક્ટર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં કામકાજ કરે છે તેનાથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર તેમજ ઉદ્યોગ કમિશ્નર. ઈન્ડેક્ષ-બીના એમ.ડી વગેરે અધિકારીઓ પણ જોડાયા હતા.