1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું રૂપિયા 240 કરોડનું રાહત પેકેજ
બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું  રૂપિયા 240 કરોડનું રાહત પેકેજ

બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું રૂપિયા 240 કરોડનું રાહત પેકેજ

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી ખેડુતોને પૂનઃ બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 240 કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે.

આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં ચાલુ વર્ષે જૂન માસમાં ત્રાટકેલા “બિપરજોય” વાવાઝોડાના કારણે કૃષિ તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયુ હતું જેમાં મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અસર થઈ હતી. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત એક લાખ 30 હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઇ હતી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા હતા.

તેમણે ઉમેર્યુ કે,વાવઝોડાથી અસરગ્રસ્ત આ જિલ્લાઓમાં કુલ 311 ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ વાવાઝોડાથી મહત્તમ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓનાં ખેડુતોને મદદરૂપ થવા અંદાજિત રૂ. 240 કરોડની માતબર રકમનું વાવાઝોડુ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે.  મુખ્યમંત્રી દ્વારા ખાસ સહાનુભુતિ અને ઉદારતા રાખી આ પેકેજમાં સૌપ્રથમ વખત સહાયના ધોરણોમાં ધરખમ વધારો કરવાનો ખેડુતહિતલક્ષી નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,બાગાયતી પાકો-ફળઝાડ પડી જવાથી નુકશાનીમાં સહાયરૂપ થવા માટે સૌપ્રથમ વખત રાજય સરકારે ઉદાર નીતિ દાખવી બહુવર્ષાયુ બાગાયતી પાકોના 10 ટકા કે તેથી વધુ અને 33 ટકા સુધીના ઝાડ ઉખડી જવાના/પડી જઇ /ભાંગી જઇ નાશ પામેલ હોય તે અન્વયે ખાસ કિસ્સામાં પણ રાજય ભંડોળમાંથી રૂ. 25000 પ્રતિ હેકટર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે  તેથી વધુ ઝાડ ઉખડી જવાના/પડી જઇ/ભાંગી જઇ નાશ પામેલ હોય તેવા કીસ્સામાં SDRF ના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.22500 ની સહાય ઉપરાંત ખાસ કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ. 1,02,500 ગણતરીમાં લઈ કુલ રૂ.1,25,000  પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેકટરની મર્યાદામાં  સહાય જાહેર કરી છે. સહાયની રકમમાં SDRF ઉપરાંતનો અત્યાર સુધીનો આ સર્વોચ્ચ વધારો છે. આ સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં-8/અ મુજબ) મહત્તમ બે હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

કૃષિ મંત્રી પટેલે કહ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પાક નુકસાની સર્વેમાં 33 ટકા કે તેથી વધુ  નુકસાન માલુમ પડેલ હોય તેમજ બાગાયતી ફળઝાડ ઉખડી જવાના કિસ્સામાં 10 ટકા કે તેથી વધુ નુકસાન માલુમ તેવા સર્વે નંબરવાળા ખેડૂત ખાતેદાર કે જેમનો ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ સહાય પેકેજનો લાભ મળશે. ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલા ખેડૂત ખાતેદારોને આ પેકેજનો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.

તાલુકા કક્ષાએ ગામ વાઇઝ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી (ખેતી)/જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી/નાયબ બાગાયત નિયામકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code