
વાસદ હાઈવે પર આણંદ પોલીસના વાહનને નડ્યો અકસ્માત, હોમગાર્ડ જવાનનું મોત
- બે પોલીસ કર્મચારીઓને થઈ ઈજા
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં
- પોલીસ વાહનનો આગળનો ભાગ થયો ક્ષતિગ્રસ્ત
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન વહેલી પરોઢના ગુજરાતના વાસદ હાઈવે પર આણંદ પોલીસના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું મોત થયું હતું. જ્યારે બે પોલીસ કર્મચારીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ પોલીસના કોન્સ્ટેબલ પેટ્રોલીંગમાં હતા. આણંદ પોલીસની જીવકાપ વાસદ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન જીપના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ વાહન ઘડાકાભેર ડિવાઈડર સાથે ઘડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત એટલે જોરદાર હતો કે, પોલીસ વાહનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.
માર્ગ અકસ્માતની આ ઘટનામાં હોમગાર્ડ જવાનનું મોત થયું હતું. જ્યારે બે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો.
અકસ્માતની આ ઘટના અંગે વાસદ પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. તેમજ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ શરુ કરવામાં આવી છે. હાઈવે પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ ક્ષતિગ્રસ્ત પોલીસ વાહન માર્ગ પરથી હટાવી લેવામાં આવ્યું હતું.