
આંધ્રપ્રદેશઃ વિવાદમાં ઘેરાયેલા જિન્ના ટાવરને તિરંગાના રંગથી રંગવામાં આવ્યો
- 26મી જાન્યુઆરીએ અહીં તિરંગો ફરકાવવાનો થયો હતો પ્રયાસ
- પોલીસે જે તે સમયે કેટલાક શખ્સોની કરી હતી અટકાયત
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના ગુંતૂરમાં જિન્ના ટાવરને લઈને વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. જિન્ના નામના વિવાદ વચ્ચે ટાવરને તિંરગાના રંગથી રંગવામાં આવ્યો છે તેમજ તિરંગો પણ લહેરાવવામાં આવશે. સ્થાનિક મુસ્લીમ ધારાસભ્યએ અનેક સંગઠનોના અનુરોધને ધ્યાનમાં રાખીને ટાવરને તિરંગાના રંગથી રંગવાનો નિર્ણય કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર જિન્ના ટાવરને લઈને વિવાદ થયો હતો. ભાજપ દ્વારા ટાવરનું નામ બદલવાની માંગણી કરવામાં આવી હતી. તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ નામ આપવાની માંગણી કરી હતી. દરમિયાન ગુંટુર ઈસ્ટના ધારાસભ્ય મહંમદ મુસ્તફાએ આ ટાવરનો રંગ જ બદલી નાખ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપાએ ગરીબોનું વિચારવું જોઈએ, લોકોને કેવી રીતે મદદ કરી શકાય તે વિશે વિચારવું જોઈએ. કોઈ કારણ વિના કોમી તોફાનો ભડકાવવાની જરૂર નથી. અનેક સંગઠનોના અનુરોધ બાદ જિન્ના ટાવરને તિરંગાથી રંગી દેવામાં આવ્યો છે. અનેક મુસ્લિમોએ ભારતની આઝાદી માટે બલીદાન આપ્યું છે. ભારતીય મુસ્લિમોએ પાકિસ્તાનમાં નહીં જઈને હિન્દુસ્તાનમાં રહેવાનો નિર્ણય લીધો હતો. જેથી હવે અહીં તિરંગો લહેરાવવાનો પણ નિર્ણય લેવાયો છે. ગત 26મી જાન્યુઆરીના રોજ જિન્ના ટાવરને લઈને વિવાદ ઉભો થયો હતો. 26મી જાન્યુઆરીના રોજ કેટલાક લોકોએ ટાવર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે કેટલાક શખ્સોની અટકાયત કરી હતી. જે બાદ જિન્ના ટાવરને લઈને વિવાદ વકર્યો હતો.