
નવી દિલ્હીઃ દેશમાં રામ નવમી અને હનુમાન જયંતિના અવસર પર અનેક શહેરોમાં હિંસાની ઘટના સામે આવી હતી. આ અંગે હવે પાકિસ્તાને ભારતીય મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં તેણે ભારતમાં તાજેતરની ઘટનાઓને મુસ્લિમો વિરુદ્ધ લક્ષિત હુમલો ગણાવ્યો છે અને આવી ઘટનાઓની નિંદા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુ સહિતના લઘુમતી ઉપર વર્ષોથી અત્યાચાર ગુજારવામાં આવે છે. પાકિસ્તાન પોતાના દેશમાં વસવાટ કરતા લઘુમતીઓની સુરક્ષા કરવાને બદલે ભારતના આંતરિક મુદ્દાને ઉઠાવીને ભારતીય મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાને હતું કહ્યું કે, ભારતમાં મુસ્લિમ સમુદાયો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન હંમેશા ભારતના આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરતું આવ્યું છે. પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે ભારતમાં મુસ્લિમ સમુદાયના લોકો વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવે છે અને તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવે છે. ભારતે અગાઉ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું હતું કે તેણે ભારતના આંતરિક મામલામાં દખલ કરવાની જરૂર નથી, પરંતુ અગાઉ ભારતે કહ્યું હતું કે અમારા દેશના આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરતા પહેલા પાકિસ્તાને તેના દેશમાં લઘુમતીઓ સામે હિંસા ઉપર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન ભારતના વિવિધ રાજ્યોમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા અને લક્ષ્યાંકિત હુમલાઓની નિંદા કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ભારત સરકારને મુસ્લિમો અને તેમની મસ્જિદો સામે વ્યાપક હિંસા અને ધમકીઓની ઘટનાઓની પારદર્શક રીતે તપાસ કરવા વિનંતી કરે છે.