
જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટકિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની ગોળીમારી કરાઈ હત્યા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને હત્યા કરવાની ઘટનામાં વધારો થયો છે. બડગામ જિલ્લામાં સરકારી કચેરીમાં ઘુસી ગયેલા આતંકવાદીએ સરકારી કર્મચારી ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે બિનકાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓ ડામવા કવાયત વધારે તેજ બનાવવામાં આવી છે. મૃતક સરકારી કર્મચારી કાશ્મીરી પંડિત હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ સરકારી કર્મચારી રાહુલ ભટને તેની ઓફિસમાં ઘૂસીને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બંદૂકધારી શખ્સ ચદૂરા વિસ્તારમાં સ્થિત તહેસીલ ઓફિસમાં ઘૂસી ગયા અને કારકુન રાહુલને ગોળી મારી દીધી હતી. કાશ્મીરી પંડિત રાહુલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ચંદુરાની તહેસીલદાર ઓફિસ, બડગામમાં રાહુલ ભટ નામના લઘુમતી સમુદાયના કર્મચારીને ગોળી મારી દીધી હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. પોલીસે સંમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને હત્યારાઓને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ ડામવા માટે પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ લઘુમતી સમુદાય અને કાશ્મીરી પંડિતો સહિત પ્રવાસી મજૂરોને નિશાન બનાવી રહ્યા છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા 168 આતંકવાદીઓ સક્રિય છે જ્યારે આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 21 વિદેશી હતા. છેલ્લા 11 મહિનામાં, નિયંત્રણ રેખા (એલઓસી) પર એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને ઘૂસણખોરીના 12 પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે.