 
                                    સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજમાં તસ્કરોએ કરી તોડફોડ, હજારો જીવને મુક્યા જોખમમાં
સુરત: શહેરના અડાજણ-અઠવાને જોડતા બ્રિજને અસામાજીક તત્વોએ નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અસામાજીક તત્વો દ્વારા એવી હરકત કરવામાં આવી છે કે તેનાથી હજારો જીવ જોખમમાં આવી જાય. અસામાજીક તત્વોએ કેબલ સ્ટેઈડ બ્રિજમાંથી કિંમતી સામાનની ચોરી કરવા તોડફોડ કરી છે જે બાદ મહાનગર પાલિકાની રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે.
સુરતના અડાજણ-અઠવાને જોડતા 143.64 કરોડના ખર્ચે બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજ ઉદ્ધઘાટન ત્રણ વર્ષ અગાઉ ગાંધી જયંતિના દિવસે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ.
સુરત શહેરના તસ્કરો એટલા બેફામ બન્યા છે કે બ્રિજના સામાનની ચોરી કરતા પણ સહેજે અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે. સુરતની ઓળખસમા કેબલ સ્ટેઈડ બ્રિજ પર તોડફોડ કરવામાં આવી રહી છે. તેમજ કિંમતી સામાનની ચોરી કરવા તોડફોડ તસ્કરો દ્વારા તોડ ફોડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આ મુદ્દે પાલિકા કમિશનર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને દીવાળીના સમયે પાલિકા દ્વારા આ બ્રીજને રોશની લગાવી શણગારવામાં આવશે.
જાણકારી અનુસાર કેબલને પુલ સાથે જકડી રાખતી ચારમાંથી બે પિન, ઈન્સેપકશન વિન્ડોના લોખંડના ઢાંકણાની પણ તસ્કરો ચોરી ગયા છે. બ્રિજના છેડે સિમેન્ટનું સ્ટ્રકચર તોડી નંખાતા બ્રિજ સામે જોખમ ઉભુ થયુ છે. બે વર્ષ અગાઉ પણ બ્રિજની લાઈટોની ચોરાઈ હોવાની ઘટના સામે આવી હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

