
છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદઃ રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં સરકારે રાજ્યની નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણનો નિર્ણય કર્યો હતો. દરમિયાન છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુરમાં સુચિત મોડલ ફાયર સ્ટેશન માટે બિલ્ડીંગ, સ્ટાફ કવાટર્સ ટેન્કરૂમ, ઓવરહેડ ટેન્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે માટે પાંચ કરોડ 15 લાખ રૂપિયાના કામો, સોલાર રૂફટોપ સિસ્ટમ માટે 15 લાખ રૂપિયા સહિત અન્ય ખર્ચ મળી પાંચ કરોડ 48 લાખ રૂપિયાના કામો મંજૂર કર્યા છે. શહેરી વિકાસ વિભાગે રાજ્યના 32 જિલ્લાઓમાં 32 નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા 32 વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે. તદઅનુસાર, નાણાંકીય વર્ષ 2022-23માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની 16 નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ.5.14 કરોડ પ્રમાણે રૂ.82.24 કરોડની સૈદ્ધાંતિક અનુમતિ મળેલી છે.
(PHOTO-FILE)