
હથિયારોના નેટવર્કનો પર્દાફાશઃ 10 પિસ્તોલ, 61 કારતુસ અને 3 મેગેઝિન સાથે 6 શખ્સો ઝડપાયાં
અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરમાં હથિયારોના નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે 9 પિસ્તોલ, 1 રિવોલ્વર, 61 જીવતા કારતૂસ અને 3 મેગેઝિન સાથે છ શખ્સોને ઝડપી લીધા હતા. હથિયારો મધ્યપ્રદેશથી લાવીને અમદાવાદમાં તેનુ વેચાણ કરવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વાસણા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજ્ય કોમ્પ્લેક્સ નજીક શંકાના આધારે શાહનવાઝ શેખ (રહે, વટવા) નામના શખ્સને અટકાવીને તપાસ કરતા તેની પાસેથી પિસ્તોલ અને 3 જીવતા કારતુસ મળી આવ્યાં હતા. જેથી સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આરોપી શાહનવાઝ શેખની પૂછપરછ કરતા આ હથિયાર વટવામાં જ રહેતા સમીર રશિદખાન પઠાણ નામની વ્યક્તિ પાસેથી લીધાનું ખૂલ્યું હતું. પોલીસે શાહનવાઝ શેખને સાથે રાખીને સમીર પઠાના ઘરે છાપો મારીને તેને ઝડપી લીધો હતો. સમીર પઠાણે મધ્યપ્રદેશથી હથિયાર લાવીને રૂ. 25થી 50 હજારમાં વેચ્યાનું કબુલ્યું હતું.
આ પ્રકરણમાં ફરાનખાન પઠાણ, ઉઝેરખાન પઠાણ, ઝૈદખાન પઠાણ અને શાહરૂખ પઠાણની સંડોવણી ખુલી હતી. આ શખ્સોએ હથિયારો ખરીદ્યાં હતા. પોલીસે આ ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં હતા. આરોપી મધ્યપ્રદેશના ખેરગોનના આફતાબ નામના શખ્સ પાસેથી લઈને આવ્યો હતો. જેથી પોલીસે મધ્યપ્રદેશના આફતાબને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને હથિયારોના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં હતા.