1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીના શેત્રુંજી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહ માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયાં
અમરેલીના શેત્રુંજી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહ માટે  પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયાં

અમરેલીના શેત્રુંજી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહ માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયાં

0
Social Share

અમરેલીઃ  જિલ્લાના ધારી લીલીયા સહિતના ગીરના વિસ્તારોમાં  સિંહોની વસતીમાં વધારો થતો જાય છે.  હાલમા આ વિસ્તારમાં પાણીના કુદરતી સોર્સ ખતમ થઇ જતાં વનવિભાગ દ્વારા પાણીના નવા કૃત્રિમ 15 પોઇન્ટ શરૂ કરવા તજવીજ હાથ ધરવામા આવી છે.  લીલીયા તાલુકામાં ક્રાંકચના બાવળના જંગલથી લઇ ભોરીંગડા તથા આસપાસના વિસ્તારમાં અને છેક અમરેલીના ચાંદગઢ સુધી સાવજોનો વસવાટ છે. આ વિસ્તારમાં હાલમા 45થી વધુ સાવજો કુદરતના ખોળે પાંગરી રહ્યાં છે.

ગીરના પૂર્વ ગણાતા લીલીયાના ક્રાંકચના બાવળના જંગલમાં સિંહનો વસવાટ છે. હાલમાં ઉનાળાનો આરંભ થવા જઇ રહ્યો છે. જેના કારણે નદી-નાળાના પાણીના આ કુદરતી સોર્સ સુકાવા લાગ્યા છે, અને સાવજોને પાણી માટે આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે.આ વિસ્તારમાં પવનચક્કીથી સંચાલિત પાણીના 9 પોઇન્ટ હાલમા કાર્યરત છે. હવે સાવજો જે વિસ્તારમાં પડાવ નાખીને પડયા હોય તે વિસ્તારમાં જ તેમને પીવાનુ પાણી મળી રહે તે માટે પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવાનુ શરૂ કરાશે. ટેન્કરના ફેરા દ્વારા પાણીના આ કૃત્રિમ પોઇન્ટ શરૂ કરવામાં આવશે. જુદાજુદા વિસ્તારમાં અગાઉથી જ પાણીઓની કુંડીઓ બનાવેલી છે. ઉપરથી મંજુરી આવ્યા બાદ પાણીની આ કુંડીઓ ભરવાનુ શરૂ કરી દેવાશે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શેત્રુજી નદીની કોતરો સાવજોને રહેઠાણ પુરૂ પાડે છે, અને પાણીની જરૂરીયાત પણ પુરી પાડે છે. જો કે ચોમાસામા ભરાયેલુ પાણી સમય જતા ખારોપાટ હોવાના કારણે કડવુ બની જાય છે જેથી સાવજો તે પીતા નથી. ઉનાળાના આકરા તાપમાં બાવળની કાટમા આશરો તો મળી રહે છે પરંતુ આ સાવજોને પાણી માટે દુરદુર સુધી ભટકવુ પડે છે. પવનચક્કીના 9 પોઇન્ટ ઉપરાંત વધુ 15 પોઇન્ટ કાર્યરત થતા સિંહ સહિતના તમામ વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉભી થશે.

ગીરપુર્વમા 68 પાણીના પોઇન્ટ મજુરો દ્વારા ભરવામા આવી રહ્યાં છે. જયારે 66 પોઇન્ટ ટેન્કરના ફેરા દ્વારા ભરાઇ રહ્યાં છે. ઉપરાંત પવનચક્કી દ્વારા 26 પોઇન્ટ, ડિઝલ એન્જીન દ્વારા 10 પોઇન્ટ અને સોલાર વોટર પંપ દ્વારા 28 પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે.

ગીરપુર્વના ડીએફઓ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે આ ડિવીઝન નીચે સિંહ સહિતના વન્યપ્રાણીઓ માટે પાણીના 268 પોઇન્ટ છે જે પૈકી 65 કુદરતી પોઇન્ટ છે જયારે 203 પોઇન્ટ સ્ટાફ દ્વારા ભરવામા આવી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code