1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોરબંદરના દરિયા કિનારે રેતીમાંથી અદભૂત શિલ્પ કંડાર્યા છે, કલાકાર નથુ ગરચરે… રેત શિલ્પોનું દસ્તાવેજીકરણ કરી કાયમ જીવંત રાખ્યા કલાસાધક રમણીક ઝાપડિયાએ..
પોરબંદરના દરિયા કિનારે રેતીમાંથી અદભૂત શિલ્પ કંડાર્યા છે, કલાકાર નથુ ગરચરે… રેત શિલ્પોનું દસ્તાવેજીકરણ કરી કાયમ જીવંત રાખ્યા કલાસાધક રમણીક ઝાપડિયાએ..

પોરબંદરના દરિયા કિનારે રેતીમાંથી અદભૂત શિલ્પ કંડાર્યા છે, કલાકાર નથુ ગરચરે… રેત શિલ્પોનું દસ્તાવેજીકરણ કરી કાયમ જીવંત રાખ્યા કલાસાધક રમણીક ઝાપડિયાએ..

0
Social Share

રેત શિલ્પની અનોખી દેહાકૃતિ ગુજરાતી પ્રજા સુધી પહોંચાડવાના શુભાશયથી રેત શિલ્પની વિવિધાને દ્રશ્યાત્મક રીતે પ્રદર્શિત કરતા આ ગ્રંથનું દસ્તાવેજીકરણ આપણી નજર સામે શિલ્પ ચિત્રો જીવંત કરે છે… નથુ ગરચર એટલે ઓલિયો કલાકાર. કલામાં મસ્ત આરાધક. રોજ દરિયા કિનારે જાય. નોખાનિરાળા વિષયને પસંદ કરી રેત શિલ્પ બનાવે. સિદ્ધહસ્ત શિલ્પી એટલે તુરંત જ રેતીમાં ચેતન આરોપિત કરી દે. દરિયાની સાક્ષી એ પ્રાણ પ્રતિષ્ઠા કરે અને શિલ્પ જીવંત થતું અનુભવાય કે તરત જ દરિયાદેવને કહે કે, બસ, હવે વિખરી નાખો. હે દેવ ..! તારી રેતીમાંથી, તારી કૃપાથી રચેલું આ શિલ્પ હવે તને અર્પણ.. દરિયો આ ધૂની કલાકારનો કાયમનો પ્રશંસક. એ પણ હસતાં હસતાં તરત જ રેત શિલ્પને પુનઃ રેતીમાં પરિવર્તિત કરી દે.. પોતે જ રચેલા શિલ્પને પાણીમાં ગરકાવ થતું જોઈને કલાકાર પોતાના ઘરે પાછા ફરે. એને લાગે કે દિવસ સફળ થયો. આ રીતે પ્રાય: રોજેરોજ રેત શિલ્પનું નિર્માણ કરતાં નથુ ગરચરની સાધના, લગન અને નિષ્ઠાને વંદન…

રમણિક ઝાપડિયાના શબ્દોને ટાંકીએ:

આપણે ત્યાં રેત શિલ્પ વિશે સભાનતા નથી, જાગૃતિ નથી કે ઝાઝી સમજ પણ નથી..કિન્તુ એ કલા છે પ્રશસ્ય અને નિરાલી.. એમને પોંખવી જ જોઈએ એવું લાગ્યું. આ ગુજરાતી કલાકાર સમગ્ર ભારતમાં રેત શિલ્પ ક્ષેત્રે પ્રસિદ્ધિ પામ્યા છે. આમ છતાં આપણે એને ન જાણતા હોઈએ એ શક્ય છે. કારણમાં એક તે રીત શિલ્પ વિશેની જાણકારી નો અભાવ અને બીજું તે આ કલાકારની અનાસક્તિ, નામદામ પરતવે ઉદાસીનતા. આ ઓલિયા કલાકારને કશાની પડી નથી. એ તો અદ્ભુત શિલ્પ રચી જાણે ને તરત જ દરિયાને અર્પણ કરી જાણે. આપણને પ્રશ્ન થાય કે અનાસક્તિને કારણે રેત શિલ્પ સર્જે છે આ કલાકાર કે અનાસક્ત સ્વભાવ હોવાને કારણે રેતશિલ્પી થયા હશે..? એ જે હોય તે પણ આ અનાસક્ત ઓલિયા કલાકારની કલાપ્રીતિ, કલાસિદ્ધિ સરાહનીય છે.

ચિત્ર અને રેત શિલ્પામાં એમનું કામ જેટલું માતબર છે તેટલું જ ગુણવત્તાની દ્રષ્ટિએ ઉમદા છે. આ જ કારણસર “કલાતીર્થ”ની “કલા ગંગોત્રી” ગ્રંથશ્રેણીની પરંપરામાં નથુ ગરચરની રેતશિલ્પની સમૃદ્ધિને ઉત્તમ રીતે પીરસવાનો પ્રયાસ કર્યો છે. એમની કલાનાં પાસાંઓ રજૂ કરી એમની પ્રતિભાને સમુચિત રીતે આવકારવાનો આ નમ્ર પ્રયાસ છે.

નથુ ગરચરની કલાપ્રવૃત્તિ અને રેત શિલ્પની સમૃદ્ધિ વિશે ગુજરાતના જાણીતા કલાવિવેચક નિસર્ગ આહીરે સમુચિત પ્રકાશ પાડ્યો છે. રેતશિલ્પની પ્રક્રિયા અને નથુ ગરચરની કલામય વિવિધાને એમણે સારી રીતે વ્યક્ત કર્યા છે. કલા અને કલાકારની એ ઓળખ માટે સૌ માટે રસપ્રદ, માહિતીપ્રદ રહેશે. નિર્મોહી, નિસ્પૃહી આ કલાકારની 260 જેટલી રીતશિલ્પની કલાકૃતિઓનું દસ્તાવેજીકરણ ‘કલા ગંગોત્રી- ગ્રંથ 10 માં ખૂબ શાનદાર રીતે થયું છે..

 

 

 

 

 

 

 

 કલાગંગોત્રી ગ્રંથ : 10 પ્રકાશક: કલાતીર્થ ટ્રસ્ટ,  રેતશિલ્પના રૂપસાધક-નથુ ગરચર

  •  સંપાદક: રમણીક ઝાપડિયા

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code