
સરકારી સેવાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે, ત્યારે અનામતનો ફાયદો યુવાનોને કેવી રીતે મળશેઃ કોંગ્રેસ
અમદાવાદ : સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે 10 ટકા અનામત આર્થિક રીતે જે નબળા વર્ગના લોકોને આપવા માટેનો જે ચુકાદો આપવામાં આવ્યો છે. તેનું કોંગ્રેસ સ્વાગત કરે છે, પરંતુ પ્રશ્ન એ છે. કે, સરકાર સેવાઓનું ખાનગીકરણ કરી રહી છે ત્યારે આ આરક્ષણનો યુવાનોને કઈ રીતે ફાયદો થશે તે એક સવાલ છે, તેમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશાંથી ગરીબોને, દલિતોને, શોષીતોને, વંચિતોને, આર્થિક – સામાજિક પછાત વર્ગને મુખ્ય ધારામાં આગળ કઈ રીતે લાવી શકાય તેના માટે સ્વતંત્રતાથી લઈને આજસુધી કાર્ય કરી રહી છે. ભલે તે સંવિધાનની રૂપરેખા હોય અથવા અમારી દરેક સરકારોની નીતિઓ રહેલી હોય. સોમવારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે તેને કોઈપણ પ્રકારનો વિલંબ વિના અને કોઈપણ પ્રશ્ન ચિહ્ન વિના સ્વાગત કરીએ છીએ. કેન્દ્રમાં ભાજપની સરકાર છે, આ નિર્ણયનો ફાયદો જનતાને કઈ રીતે મળશે, કારણ કે લગભગ 70 લાખ કરતા વધુ નોકરીઓ કેન્દ્ર સરકારમાં પદ વિનાની રહેલી છે. તેને જો ભરવામાં આવે તો જ 10 ટકા લાભ જનતાને મળશે. મોદી સરકાર જવાબ આપે કે આરક્ષણનો ફાયદો જનતાને કેવી રીતે મળશે ? તમે દરેક વિભાગ અને ડિપાર્ટમેન્ટને ખાનગીકરણ તરફ લઈ જઈ રહ્યા છો. સરકારી સંસ્થાઓને વેચી રહ્યા છો. સુપ્રીમ કોર્ટે તો યોગ્ય નિર્ણય લીધો છે પરંતુ ભાજપ આ બાબતે શું ચિંતન કરશે ? આજે ગુજરાતમાં અને દેશમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા ભરતી કરવામાં આવે છે તેમાં પણ કોઈપણ પ્રકારની અનામતનો લાભ મળતો નથી. આજના ચુકાદાનું સ્વાગત કરતા ફરીથી એકવાર સરકારને અમે કહીએ છીએ કે, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, રેલવેની, બેન્કિંગની, શિક્ષકોની તમામ જગ્યાઓ જે ખાલી છે તે પદો નોકરીઓ આપીને તાત્કાલિક ભરતી કરવી જોઈએ.