
અમદાવાદમાં પાલડી વિસ્તારના ફ્લેટના પાર્કિંગમાં આગ લાગતાં 15 જેટલા ટુ-વ્હીલર બળીને ખાક
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ પાસે આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોકના પાર્કિંગમાં આજે વહેલી સવારે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આગમાં 15 જેટલા ટુવ્હીલર અને 3 એસીના આઉટડોર બળીને ખાક થઈ ગયા હતા. આ આગના બનાવની જાણ કરાતા ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. આગની ઝાળ પહેલા માળ સુધી પહોંચી હતી. જો કે, ફ્લેટ્સના રહિશોને આગની જાણ થતાં નીચે ઉતરી ગયા હતા. સદનસીબે આગમાં કોઈપણ જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પાલડી ચંદ્રનગર રોડ પર શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આગ લાગી હોવાનો આજે વહેલી સવારે 4:48 વાગ્યે કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. જેથી જમાલપુર અને નવરંગપુરા ફાયરબ્રિગેડની કુલ પાંચ જેટલી ગાડીઓ અને સ્ટેશન ઓફિસરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફ્લેટના બી બ્લોકના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેમાં પાર્કિંગમાં રહેલા અંદાજે 15 જેટલા ટુ વ્હીલર આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ વધુને વધુ ફેલાઈ ગઈ હતી અને ફ્લેટના ઉપરના પહેલા માળ સુધી પહોંચી હતી. જેમાં સી બ્લોકના કેટલાક ઘરોના કાચ પણ તૂટી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી અને પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં આગને કાબુમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે જ સી બ્લોક અને બી બ્લોકના લોકો નીચે ઉતરી ગયા હતા અને કેટલાક ધાબા પર જતા રહ્યા હતા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને નજીક નજીક ટુ-વ્હીલર પડેલા હોવાથી ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી.