રાજકોટઃ ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. શહેરના વોર્ડનં-3ની મહિલાઓએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં આજે 11 વાગ્યે બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં બમણા પાણીવેરાને મંજૂરી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. બીજી તરફ વોર્ડ નં.3ના માધાપર ગામ, સત્યમ શિવમ સુંદરમ, પરાશર પાર્ક સહિતની સોસાયટીઓની મહિલાઓ પાણી ન મળતા રણચંડી બનીને મ્યુનિ. કચેરીએ દોડી આવી હતી. જોકે, આ સમયે કચેરીમાં ઉપર જનરલ બોર્ડની બેઠક ચાલતી હતી. મહિલાઓ આવતા જ પોલીસે કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આથી મહિલાઓ રોષે ભરાઇ હતી અને હોબાળો મચાવ્યો હતો. તેમજ મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાના દૃશ્યો પણ સર્જાયા હતા.
રાજકોટ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશો એક તરફ ભરઉનાળે આજી 1 ડેમ છલકાવવાની વાતો કરી રહ્યા છે, અને બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન પણ હજુ નાંખવામાં આવી નથી. હજુ તો ઉનાળો બેઠો નથી ત્યાં શહેરમાં પાણીનો કકળાટ શરું થયો છે. આજે વોર્ડ નં. 3માં આવતા વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી ન હોવાથી મહિલાઓ રણચંડી બનીને મ્યુનિ. કચેરીએ આવી હતી અને પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા હતા. મ્યુનિ. કચેરીમાં મહિલાઓએ હોબાળો મચાવતા જનરલ બોર્ડની ચાલુ બેઠકમાંથી વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજીયાએ નીચે દોડી આવવું પડ્યું હતું. મહિલાઓએ બાબુભાઈને પાણીની લાઈન આપો કહ્યું હતું. ત્યારે તેમણે જવાબ આપતા મહિલાઓને કહ્યું હતું કે, હું જ તમારા વિસ્તારનો કોર્પોરેટર છું, હાલ ઉપર બેઠક ચાલે છે. તમારે એક કલાક રાહ જોવી પડશે. કોર્પોરેટર બાબુભાઈના જવાબથી મહિલાઓ વધુ રોષે ભરાઇ હતી અને તેને ઉધડા લીધા હતા.
મહિલાઓ જ્યારે મેયરને પાણી મુદ્દે રજૂઆત કરવા મ્યુનિ. કચેરીમાં પ્રવેશી ત્યારે પોલીસ કચેરીની અંદર પ્રવેશવાનો મેઇન દરવાજા બંધ કરવા માટે દોડી હતી. મહિલાઓ અંદર પ્રવેશે તે પહેલા જ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી એક મહિલા રોષે ભરાઇ હતી અને જણાવ્યું હતું કે, આજે અમે પાણી માટે કોર્પોરેશનમાં રજુઆત કરવા આવ્યા છીએ. અમારી સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પાણીનો 15 વર્ષથી પ્રશ્ન છે. દર વર્ષે આ પ્રશ્નની રજુઆત કરવા કોર્પોરેશન કચેરીએ આવીએ છીએ. દર વખતે અમે કહીએ છીએ કે અમને પાણીની લાઈન આપો પણ કોઈ આ અંગે ધ્યાન દેતું નથી. દર વર્ષે એક જ જવાબ આપે છે કે થઈ જશે. ઘરમાં બોર છે તેમાં શિવરાત્રિ પહેલા પાણી જતું રહે છે.
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, અમૃત 2 યોજના હેઠળ નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં પાણીની લાઈન માટે ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં કરવામાં શરું આવશે. આગામી એક મહિનામાં પાણીની લાઈન નાખવા કામ શરૂ કરવામાં આવશે. હાલમાં વધુ પાણીની જરૂરિયાત હશે તો પાણી આપવામાં આવશે.