1. Home
  2. ગુજરાતી
  3. વિધાનસભા ચૂંટણી 2026: બૂથ પર હવે બીએસએફ જવાનો તપાસશે મતદારોના આઈડી કાર્ડ
વિધાનસભા ચૂંટણી 2026: બૂથ પર હવે બીએસએફ જવાનો તપાસશે મતદારોના આઈડી કાર્ડ

વિધાનસભા ચૂંટણી 2026: બૂથ પર હવે બીએસએફ જવાનો તપાસશે મતદારોના આઈડી કાર્ડ

0
Social Share

નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફાર કરવામાં આવ્યા છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનો હવે માત્ર બૂથની બહાર પહેરો જ નહીં ભરે, પરંતુ મતદાન મથકની અંદર મતદારોના ઓળખ પત્રોની તપાસ પણ કરશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે દરેક બૂથ પર લાગેલા સીસીટીવી કેમેરાનું સંપૂર્ણ સંચાલન અને દેખરેખ પણ બીએસએફના જવાનો હસ્તક રહેશે.

પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના અંદાજે અઢી થી ત્રણ લાખ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બીએસએફના નવા આદેશ મુજબ, ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના રેન્કના એવા અધિકારીઓ જેમણે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આ રાજ્યોમાં ફરજ બજાવી હતી, તેમને તાત્કાલિક અસરથી બદલવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા નિયમો મુજબ, દરેક પોલિંગ બૂથ પર બીએસએફના એક મહિલા અને એક પુરુષ જવાન તૈનાત રહેશે. તેમનું મુખ્ય કામ મતદારોના ઓળખપત્રોની ખરાઈ કરવાનું રહેશે. બૂથ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફીડનું મોનિટરિંગ બે જવાનો કરશે, જેથી કોઈ પણ ગેરરીતિ અટકાવી શકાય.

બીએસએફના આ આદેશને લઈને રાજકીય વિવાદ પણ છેડાયો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, “મતદારોના આઈડી ચેક કરવા એ પરંપરાગત રીતે ચૂંટણી પંચના મતદાન અધિકારીઓનું કામ છે, અર્ધલશ્કરી દળોનું નહીં.” તેમણે બીએસએફના ડાયરેક્ટર જનરલ પર ચૂંટણી પંચના સ્થાપિત નિયમોના ઉલ્લંઘન અને પંચની દેખરેખની ભૂમિકામાં અતિક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે.

બીજી તરફ, ચૂંટણી પંચે બંગાળ પ્રશાસનને કડક સૂચનાઓ આપી છે કે હિંસા રહિત અને પારદર્શક મતદાનમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. તાજેતરમાં જ ફરજમાં બેદરકારી બદલ કેટલાક જવાનો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. ૧૫ જૂન પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોવાથી હાલ તમામ પાંચેય રાજ્યોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.

વધુ વાંચો: અમેરિકાનું ઈરાનમાં ઘૂસીને સાહસિક રેસ્ક્યુ ઓપરેશન: લડાયક વિમાનના પાયલોટને બચાવ્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code