પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે રૂ. 2000 કરોડનું ડ્રગ્સ, રોકડ અને દારૂ જપ્ત કર્યો
નવી દિલ્હીઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચેય રાજ્યોમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન છઈ છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ આપવા માટે દારૂ અને પૈસા સહિતની વસ્તુઓનું વિતરણ ના થાય તેની ઉપર સતત નજર રાખવામાં આવી હતી. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા પાંચેય રાજ્યોમાંથી રૂ. 2 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ, દારૂ અને રોક્ડ સહિતની મત્તા જપ્ત કરવામાં આવી હતી. જેનો ઉપયોગ મતદારોને આકર્ષવા માટે કરવાનો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 25 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થયું હતું. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થયું હતું. આ તમામ રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે. દરમિયાન આચારસંહિતાના મામલે પંચે ઘણા અગ્રણી નેતાઓને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. 3 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવસે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કંઈ રાજકીય પાર્ટી સત્તામાં આવી રહી છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમ, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણીના સમયગાળા દરમિયાન રૂ. 2000 કરોડથી વધુની મતા જપ્ત કરવામાં આવી છે. જે 2018ની વિધાનસભાની ચૂંટણીઓની સરખામણીએ સાત ગણી વધારે છે. ચૂંટણી જપ્તી વ્યવસ્થાપન પ્રણાલી, પ્રથમ વખત ઉપયોગમાં લેવામાં આવી હતી, જેણે અમલીકરણ એજન્સીઓ વચ્ચે સંકલનની સુવિધા આપી હતી. ચૂંટણીપંચ દ્વારા પાંચેય રાજ્યોમાં સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ લાખોની રોકડ અને નશીલા દ્રવ્યો સાથે કેટલાક લોકોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

