બલૂચિસ્તાન: લોહિયાળ જંગમાં 145નાં મોત, પાકિસ્તાની સેનાનું ઓપરેશન
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ભયાનક હિંસામાં 145 લોકોના મોત થયા છે. સુરક્ષા દળોએ લગભગ 40 કલાક સુધી ચાલેલા મેગા મિલિટરી ઓપરેશનમાં આ આંકડો નોંધ્યો છે. પ્રાંતના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીના જણાવ્યા અનુસાર, બલૂચિસ્તાનમાં આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા અને ગોળીબારના જવાબમાં સેનાએ આ આકરી કાર્યવાહી કરી છે.
ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના અહેવાલ મુજબ, આ ઓપરેશનમાં સેનાએ 92 ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. જોકે, આ લોહિયાળ સંઘર્ષમાં 15 સામાન્ય નાગરિકોના પણ મોત થયા હોવાનું પાકિસ્તાની અખબાર ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ એ પ્રકાશિત કર્યું છે. મુખ્યમંત્રી બુગતીએ વધુમાં જણાવ્યું કે, આ હુમલાઓમાં પોલીસ અને ફ્રન્ટિયર કોરના 17 જવાનો શહીદ થયા છે, જ્યારે નૌસેનાના એક અધિકારીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
પાકિસ્તાનના નાયબ ગૃહમંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું કે, હુમલાખોરો સામાન્ય નાગરિકોના વેશમાં હોસ્પિટલો, શાળાઓ, બેંકો અને બજારોમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, હુમલાખોરોએ સામાન્ય નાગરિકોને ‘માનવ ઢાલ’ તરીકે વાપરીને સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા. દુકાનોમાં કામ કરતા સામાન્ય શ્રમિકોને પણ આતંકીઓએ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ ભયાનક હિંસાની જવાબદારી ‘બલૂચ લિબરેશન આર્મી’ એ સ્વીકારી છે. સંગઠને દાવો કર્યો છે કે તેમણે ‘હીરોફ’ અથવા ‘કાલા તુફાન’ નામે એક સંગઠિત અભિયાન શરૂ કર્યું હતું, જેમાં સમગ્ર બલૂચિસ્તાનમાં સુરક્ષા દળો પર હુમલા કરવામાં આવ્યા હતા. સંગઠને એવો પણ દાવો કર્યો છે કે તેમણે 80થી વધુ સુરક્ષા જવાનોને મારી નાખ્યા છે અને 18 ને બંદી બનાવ્યા છે.
ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલું બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પણ સૌથી ગરીબ પ્રાંત છે. કુદરતી સંસાધનોથી સમૃદ્ધ હોવા છતાં અહીં દાયકાઓથી વિદ્રોહ ચાલી રહ્યો છે. બલૂચ સમુદાયના અલગતાવાદી જૂથો લાંબા સમયથી વધુ સ્વાયત્તતા અને પ્રાંતના કુદરતી સંસાધનોમાં મોટો હિસ્સો માંગ કરી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં સુરક્ષા દળો અને સરકારી માળખાગત સુવિધાઓ પર હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચોઃ આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો


