
અમદાવાદઃ બોલિવૂડની અભિનેત્રી કંગના રાણાઉત હવે વિવાદોનો પર્યાય બની ગઈ છે. કારણ કે હવે કંગનાના નામ સાથે વિવાદ પણ જોડાઈ ગયો છે. કંગનાના આઝાદી અંગેના નિવેદન અંગે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ગાંધી પ્રેમી અને ગાંધી આશ્રમ સામે રહેતા આશ્રમ વાસીઓએ વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. આજે આશ્રમવાસીઓએ કંગનાના પૂતળાના દહનનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ પોલીસે કાર્યક્રમ અગાઉ 3 આશ્રમવાસીઓને નજર કેદ કરી લીધા છે.
બોલીવુડની અભિનેત્રી કંગનાના વિવાદિત નિવેદનને લઈને ગાંધીજીના અનુયાયીઓએ વિરોધ કર્યો છે. અમદાવાદમાં પણ ગાંધી આશ્રમ સામેના આશ્રમવાસીઓએ અગાઉ કંગના વિરોધમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે અરજી કરી હતી. આજે કંગનાના પૂતળા દહનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કંગાનાના પૂતળા દહનના કાર્યક્રમ અંગે અગાઉથી જાહેરાત કરી હોવાથી પોલીસ કાર્યક્રમ અગાઉ જ કાર્યક્રમ યોજનારા આશ્રમવાસી ધિમંત બઢીયાના ઘરે પહોંચી હતી. જ્યાં ધિમંત બઢીયા, શૈલેષ રાઠોડ અને હેમંત ચૌહાણને નજર કેદ રાખવામાં આવ્યા હતા. અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે કંગના રાણાવત અને ખાનગી ચેનલના પત્રકાર વિરુદ્ધમાં અરજી થતા પોલીસે તપાસ હાથ ધરી છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગત 10 તારીખના સાંજના સાત વાગ્યે ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં કંગના હાજર હતી. જેમાં કંગનાએ ભારતની આઝાદી તથા શહીદો વિષે જણાવ્યું હતુ કે, “1947માં જે આઝાદી મળી છે તે તો ભીખ છે અને સાચી આઝાદી તો 2014માં મળી છે”. આવા શબ્દોનું સમર્થન પત્રકારે પણ કર્યું હતુ અને પોતાની ચેનલના માધ્યમથી આખા દેશમાં તેનું પ્રસિદ્ધિકરણ કર્યું હતુ. આ અંગે નવરંગપુરા પોલીસે જણાવ્યું હતું કે, એક અરજી આપી છે જેમાં અભીનેત્રી અને એક પત્રકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પોલીસે સ્વીકારી છે અને તપાસ હાથ ધરી છે.