1. Home
  2. ગુજરાતી
  3. બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીનું મહા-શુદ્ધિકરણ: 91 લાખ નામો પડતા મુકાયા
બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીનું મહા-શુદ્ધિકરણ: 91 લાખ નામો પડતા મુકાયા

બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીનું મહા-શુદ્ધિકરણ: 91 લાખ નામો પડતા મુકાયા

0
Social Share

કોલકાતા, 7 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે મતદાર યાદીમાં મોટો સુધારો કર્યો છે. સુધારેલી યાદી મુજબ રાજ્યમાંથી કુલ 90,83,345 નામો મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. પંચે જિલ્લાવાર યાદી જાહેર કરવાની સાથે હવે વોટર લિસ્ટને ‘ફ્રીઝ’ કરી દીધું છે, જેનો અર્થ છે કે હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી યાદીમાં કોઈ નવા નામ ઉમેરી શકાશે નહીં.

ચૂંટણી પંચના વિશ્લેષણ મુજબ, વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં બંગાળમાં કુલ 7,66,37,529 મતદારો હતા. 28 ફેબ્રુઆરીએ બહાર પડેલી પ્રથમ યાદીમાં જ આશરે 63.66 લાખ નામો દૂર કરાયા હતા, જ્યારે 60 લાખથી વધુ નામોને વિચારણા હેઠળ રાખવામાં આવ્યા હતા. સોમવારે આ નામોનો નિકાલ કરતા પંચે સ્પષ્ટ કર્યું કે તેમાંથી 27.16 લાખ લોકો અયોગ્ય ઠર્યા છે. આમ, હવે રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા ઘટીને 6,77,20,728 પર પહોંચી છે.

મતદાર યાદીના આ શુદ્ધિકરણની સૌથી વધુ અસર સરહદી અને ગીચ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં જોવા મળી છે. ઉત્તર 24 પરગણામાં સૌથી વધુ 12.60 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા છે. આવી જ રીતે મુર્શિદાબાદમાં કુલ 7.48 લાખ, માલદામાં 8.28 લાખ, ઉત્તર દિનાજપુરમાંથી 3.02, દક્ષિણ કોલકાતામાંથી 2.49 લાખ અને ઉત્તર કોલકાતામાંથી 4.47 લાખ નામ હટાવવામાં આવ્યાં છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બંગાળમાં બે તબક્કામાં યોજાશે અને 4 મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. બંગાળ વિધાનસભાની 152 બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં 23 એપ્રિલ અને 142 બેઠકો ઉપર બીજા તબક્કામાં 29 એપ્રિલના રોજ મતદાન યોજાશે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં નામો કપાવાથી ચૂંટણીના સમીકરણો પર મોટી અસર પડી શકે છે.

આ પણ વાંચોઃ વાયુસેનાની ઘાતક ક્ષમતામાં વધારો થશે: 1000 કિલોના સ્વદેશી સુપર બોમ્બથી દુશ્મનના બંકરો થશે તબાહ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code