
ગોંડલ વિસ્તારમાં ભીમ અગિયારસે મેઘરાજાએ મુહૂર્ત કર્યું, ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદઃ ભીમ અગિયારસથી ખેડુતો વાવણીની આગોતરી તૈયારીઓ શરૂ કરતા હોય છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ ભીમ અગિયારસના દિવસે ખેડૂત આખા વર્ષની કૃષિ સીઝનનો પ્રારંભ કરતો હોય છે ત્યારે શુક્રવારે ભીમ અગિયારસના દિવસે ખેડૂતો માટે મુહૂર્ત સચવાયું હોય તેમ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લીધે ખેતરો પાણી પાણી થયા છે. જયારે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
ગોંડલ વિસ્તારમાં ભીમ અગિયારસે મેઘરાજાએ પધરામણી કરી હતી. ગોંડલ તાલુકાના વાસાવડ, દેવળીયા, દડવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. જેથી અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ ગોંડલમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. અને હાલ વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ત્રણ દિવસ પહેલા જ જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહિ, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99 ટકા વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.