
ચૂંટણી પહેલા નક્સલવાદ પર મહાપ્રહાર, છત્તીસગઢ એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર
બીજાપુર: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના બીજાપુરમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં જવાનોએ ગોળીબાર કરતા 6 નક્સલીઓ ઠાર થયા છે. આ ઘટનાની પુષ્ટિ એસપી જીતેન્દ્રકુમાર યાદવે કરી છે.
છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોની ટીમમાં કોબરા 210, 205 અને સીઆરપીએફ 229 બટાલિયન અને ડીઆરજીની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી છે. જવાનોએ જંગલમાં નક્સલીઓ પર ખૂબ ગોળીઓ વરસાવી છે. જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 6 નક્સલીઓ ઠાર થયા છે. આ અથડામણ બાદ બાસાગુડાના જંગલમાં જવાનો દ્વારા સર્ચિંગ દરમિયાન નક્સલીઓની લાશો પણ જપ્ત કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના બાસાગુડા ક્ષેત્રમાં હોળીના તહેવારના દિવસે ત્રણ ગ્રામીણોની અજાણ્યા લોકો દ્વારા કુહાડીથી હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડની પાછળ પોલીસે નક્સલી ઘટનાની વાત જણાવી હતી. જણાવાય રહ્યું છે કે અજાણ્યા લોકો દ્વારા બપોરે ગામની અંદર ઘૂસીને ત્રણ ગ્રામીણો પર હુમલો કર્યો હતો. તેમાં બે ગ્રામીણોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો એક ગ્રામીણને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ભરતી કરવામાં વ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ પ્રમાણે, હુમલાખોર દ્વારા કુહાડીથી આ ગ્રામીણોના માથા પર એક પછી એક ઘણાં હુમલા કર્યા છે. આ હુમલામાં જે લોકોની હત્યા થઈ છે, તેમના નામ ચંદ્રાયા મોડિયમ, અશોક ભંડારી અને કારમ રમેશ હોવાનું જણાવાય છે.